ગુજરાત

વનસ્પતિ તેલ અને પાઉડરમાંથી તૈયાર થતું નકલી દૂધ ઝડપાયું, ફૂડ વિભાગનો દરોડો

Amreli News: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરીને નકલી દૂધ બનાવવાનો કારોબાર પકડી પાડ્યો છે. ફૂડ સેફટી વિભાગ અને ખાંભા પોલીસ દ્વારા મોડી રાત્રે બે રહેણાંક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 220 લિટર બનાવટી દૂધ ઝડપી પાડવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે આ દૂધ વનસ્પતિ તેલ અને પાઉડરમાંથી તૈયાર કરવામાં આવતું હતું.

દરોડા દરમિયાન અધિકારીઓએ બનાવટી દૂધ ઉપરાંત 214 કિલો દૂધ બનાવવાનો પાઉડર અને 43.4 કિલો વનસ્પતિ તેલ પણ જપ્ત કર્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ આ નકલી દૂધ બજારમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવતું હતું. ફૂડ વિભાગે તમામ વસ્તુઓના સેમ્પલ લઈને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલી દીધા છે અને હાલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આ મામલે સત્તાવાર ગુનો નોંધશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દરોડા દરમિયાન જે મકાનોમાં કાર્યવાહી કરવામાં આવી હતી તે મકાનો બંધ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ કેસમાં કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે તપાસ ચાલી રહી છે.

આ ઘટનાને પગલે જિલ્લામાં દૂધના કાળાકારોબાર અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. ખાંભા ગીર વિસ્તારમાં ઘણા ગામોમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની આશંકા છે. અગાઉ પણ કેટલાક ગામોમાં ડેરીઓમાંથી બનાવટી દૂધ ઝડપાયું હોવાનું નોંધાયું છે. ફૂડ વિભાગે જણાવ્યુ છે કે, તપાસ ચાલુ છે અને જરૂર પડે ત્યાં વધુ કાર્યવાહી પણ કરવામાં આવશે. સાથે જ પકડાયેલો દૂધનો જથ્થો રાત્રે જ નાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: અમરાઈવાડીમાં ભાજપનો આંતરિક વિખવાદ: ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ સામે કાર્યકરોનો રોષ

 

Back to top button