ટ્રેન્ડિંગનેશનલ

‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પર પૂર્વ CJI ચંદ્રચૂડની ચેતવણી, કહ્યું- ‘ચૂંટણી પંચને મળી જશે અમર્યાદિત સત્તા’

નવી દિલ્હીઃ 11 જુલાઈ, 2025: CJI Chandrachud Reaction on One Nation One Election: પૂર્વ CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેએસ ખેહરે કહ્યું કે ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ના નામે ચૂંટણી પંચને વધુ પડતી સત્તાઓ આપવી ન જોઈએ. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને પૂર્વ CJI એ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ બંને બંધારણીય સુધારાઓ અંગે ચેતવણી આપી છે. JPC બેઠક દરમિયાન, બંને પૂર્વ CJIએ 129મા બંધારણીય સુધારા બિલ 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ 2024 પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.

ભાજપના સાંસદ પી.પી ચૌધરીના નેતૃત્વ હેઠળની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સુધારા બિલ અંગે ન્યાયશાસ્ત્રીઓ અને કાનૂની નિષ્ણાતો સાથે સલાહ-સૂચન કરી રહી છે. લોકસભા અને વિધાનસભાની એકસાથે ચૂંટણીઓ કરાવવા માટે રચાયેલી આ સમિતિનો કાર્યકાળ સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે. ગત વર્ષે, આ બિલ લોકસભામાં રજૂ થયા બાદ સમિતિને મોકલવામાં આવ્યું હતું.

પૂર્વ CJI એ શું સલાહ આપી?

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને ન્યાયશાસ્ત્રીઓએ કહ્યું કે, ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન નથી પરંતુ એવું ન થવું જોઈએ કે ચૂંટણી પંચને અમર્યાદિત સત્તાઓ મળે.’

આ સિવાય તેમણે સંસદીય પ્રણાલીની સફર વિશે પણ વાત કરી. ન્યાયાધીશોએ કહ્યું કે, ‘આ સમગ્ર પ્રણાલી સંતુલિત રહેવી જોઈએ. સુશાસન માટે પાંચ વર્ષનો કાર્યકાળ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. કોઈપણ સંજોગોમાં કાર્યકાળ ઘટાડવો યોગ્ય નથી.’

ચંદ્રચૂડે શું કહ્યું?

જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, જો કોઈ સરકારનો કાર્યકાળ એક વર્ષ કે તેથી ઓછો બાકી રહે તો તેને કંઈ કરવાની તક નહીં મળે. તે જ સમયે, ચૂંટણીના છ મહિના પહેલા આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, સરકારોને કામ કરવા માટે પૂરતો સમય મળે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ.

સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે, જ્યાં સુધી ચૂંટણી પંચનો સવાલ છે, જ્યાં પણ સુધારાની જરૂર હશે અમે કરીશું. દેશહિતમાં જરૂરી ભલામણોને ધ્યાને રાખીને બદલાવ કર્યા બાદ જ સંસદને રિપોર્ટ સોંપવામાં આવશે. રાષ્ટ્ર નિર્માણ માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખૂબ જરૂરી છે.

નોંધનીય છે કે, પૂર્વ CJI યુયુ લલિત અને રંજન ગોગોઇ પણ સમિતિ સામે રજૂ થઈને પોતાની સલાહ આપી ચુક્યા છે. આ સમિતિની આઠમી બેઠક હતી. અનેક વિપક્ષી પાર્ટીનું કહેવું છે કે, એક રાષ્ટ્ર એક ચૂંટણી બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે.

આ પણ વાંચોઃ પ્રખ્યાત સિંગર આશા ભોંસલેના મૃત્યુના સમાચાર થયા વાયરલ, પુત્રએ જણાવી સત્ય હકીકત

આ પણ વાંચોઃ કોઈ ટેક્નિકલ ખરાબી નહતી… અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતના પ્રાથમિક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Back to top button