ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

20 જુલાઈથી શરૂ થઈ શકે સંસદનું ચોમાસુ સત્ર! PM-CM પદના નિયમોમાં ફેરફાર સુધી અનેક મોટા બિલની તૈયારી

National News: કેન્દ્ર સરકારનું આગામી સંસદીય ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે સત્ર લગભગ ત્રણ અઠવાડિયા સુધી ચાલી શકે છે, સામાન્ય રીતે તે ચાર અઠવાડિયા સુધી ચાલતું હોય છે. જોકે તેની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી. રાજકીય રીતે અત્યંત મહત્ત્વના મનાતા આ સત્રમાં સરકાર અનેક મોટા અને ચર્ચાસ્પદ વિધેયકો રજૂ કરી શકે છે.

રાજકીય સમીકરણો વચ્ચે યોજાશે ચોમાસુ સત્ર

પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીત તેમજ વિવિધ રાજકીય પક્ષોમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ વચ્ચે આ વખતનું સંસદનું ચોમાસુ સત્ર યોજાવા જઈ રહ્યું છે. બદલાયેલા રાજકીય સમીકરણોને કારણે સત્ર દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ભારે હોબાળો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 20 સાંસદોએ એનડીએને સમર્થન આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ શિવસેના (UBT)ના 9માંથી 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા હોવાનું કહેવાય છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો પણ અગાઉ ભાજપના સમર્થનમાં ગયા હોવાના અહેવાલો છે. સાથે જ એનસીપી (શરદ પવાર જૂથ)માં પણ તૂટની અટકળો ચાલી રહી છે.

TMC અને શિવસેના સાંસદોનો નિર્ણય થશે

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ TMCના 20 અને શિવસેના (UBT)ના 6 સાંસદોને અલગ જૂથ તરીકે માન્યતા આપવાની અરજી વિચારાધીન છે. આ અંગે સત્ર શરૂ થાય તે પહેલાં જ નિર્ણય આવી શકે છે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. જો આવો નિર્ણય લેવાશે તો સંસદમાં સત્તાપક્ષનું સંખ્યાબળ વધુ મજબૂત બની શકે છે અને આગામી મહત્ત્વના વિધેયકો પસાર કરાવવામાં સરકારને સરળતા રહી શકે છે.

મહિલા આરક્ષણ બિલ ફરી રજૂ થઈ શકે

સૌથી વધુ ચર્ચા મહિલા આરક્ષણ સંવિધાન સુધારા વિધેયકને લઈને છે. અગાઉ પૂરતા સંખ્યાબળના અભાવે આ બિલ પસાર થઈ શક્યું નહોતું, પરંતુ હવે બદલાયેલા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને સરકાર તેને ફરી લોકસભામાં રજૂ કરી શકે છે.

આ ઉપરાંત લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારો કરવાનો પ્રસ્તાવ પણ સરકાર વિચારાધીન હોવાનું કહેવાઈ રહ્યું છે. દક્ષિણના રાજ્યો દ્વારા પ્રતિનિધિત્વને લઈને ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ વિકલ્પ પર ચર્ચા થઈ રહી છે.

પીએમ-સીએમ જેલ વાળું બિલ

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર એક એવા સંશોધન વિધેયક પર પણ વિચાર કરી રહી છે, જેમાં સજા પામેલા વડાપ્રધાન (PM) અથવા મુખ્યમંત્રી (CM) પદ પર રહી શકે નહીં તેવી જોગવાઈનો સમાવેશ થઈ શકે છે. જોકે આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ ચોમાસુ સત્રમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ, વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન બિલ, એફસીઆરએ (FCRA) સુધારા બિલ અને એન્ટી-ડોપિંગ બિલ જેવા અન્ય મહત્ત્વપૂર્ણ વિધેયકો પણ રજૂ થવાની શક્યતા છે.

બીજી તરફ લોકસભાના અધ્યક્ષ સમક્ષ કેટલાક પક્ષોના સાંસદોને અલગ જૂથ તરીકે માન્યતા આપવાની અરજીઓ પણ પેન્ડિંગ છે. જો સત્ર પહેલાં આ અંગે નિર્ણય આવશે તો સંસદમાં રાજકીય સમીકરણોમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ આ એપને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી દૂર કરવા સરકારનો આદેશ, ઈ-રિક્ષા ચાલકોને થતી પરેશાની
Back to top button