ટોપ ન્યૂઝનેશનલ

કોરોના બાદ હવે ઇબોલા સામે જંગ, ભારતીય કંપની બનાવશે વેક્સીન

ઇબોલા વાયરસના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને વિશ્વભરમાં ફરી એકવાર આરોગ્ય એજન્સીઓ સતર્ક બની છે. પૂર્વ આફ્રિકાના દેશો, ખાસ કરીને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને યુગાન્ડામાં ઇબોલાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વાયરસના ‘બુન્ડિબુગ્યો’ સ્ટ્રેનના કારણે અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 900થી વધુ લોકો સંક્રમિત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે.

પરિસ્થિતિ ગંભીર બનતાં વૈશ્વિક મહામારીઓ સામે લડતી સંસ્થા CEPI (Coalition for Epidemic Preparedness Innovations) એ ઇબોલા સામે અસરકારક વેક્સીન વિકસાવવા માટે 60 મિલિયન ડોલર (આશરે ₹570 કરોડ)નું ફંડ ફાળવ્યું છે. આ સહાય વિશ્વની ત્રણ મોટી સંસ્થાઓ અને કંપનીઓને આપવામાં આવી છે, જેમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) પણ સામેલ છે.

CEPIના મુખ્ય કાર્યકારી અધિકારી રિચર્ડ હેચેટે જણાવ્યું કે ઇબોલા જેવી જીવલેણ બીમારી સામે ઝડપી અને અસરકારક વેક્સીન વિકસાવવી સમયની જરૂરિયાત છે. કોરોના મહામારી દરમિયાન પણ CEPIએ વેક્સીન વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ફંડ ફાળવણી મુજબ અમેરિકાની મોડર્ના કંપનીને સૌથી વધુ 50 મિલિયન ડોલર મળ્યા છે. જ્યારે બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને સંયુક્ત રીતે 8.6 મિલિયન ડોલરની સહાય આપવામાં આવી છે. બંને સંસ્થાઓ મળીને “ChAdOx1 Bundibugyo” નામની વેક્સીન વિકસાવશે. આ વેક્સીન તે જ ટેક્નોલોજી પર આધારિત હશે જેના આધારે કોરોના કાળ દરમિયાન કોવિશીલ્ડ વેક્સીન બનાવવામાં આવી હતી.

ત્રીજી સંસ્થા IAVI (International AIDS Vaccine Initiative) ને 3.2 મિલિયન ડોલર આપવામાં આવ્યા છે. IAVI એક સિંગલ-ડોઝ વેક્સીન વિકસાવશે, જે મર્ક કંપનીની સફળ ‘Ervebo’ વેક્સીન જેવી ટેક્નોલોજી પર આધારિત હશે. Ervebo વેક્સીને અગાઉ ઇબોલાના ‘ઝાયર’ સ્ટ્રેનને નિયંત્રણમાં લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ઇબોલા સામેની લડાઈમાં અન્ય વૈશ્વિક સંસ્થાઓ પણ આગળ આવી છે. વૈશ્વિક વેક્સીન ગઠબંધન Gaviએ 50 મિલિયન ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે, જ્યારે વર્લ્ડ બેંકના Pandemic Fund દ્વારા 220.6 મિલિયન ડોલર (આશરે ₹1,840 કરોડ)ની ગ્રાન્ટ આપવામાં આવી છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પહેલેથી જ ઇબોલાના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્રોને સતર્ક રહેવા સૂચના આપી ચૂક્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સમયસર અસરકારક વેક્સીન ઉપલબ્ધ થઈ જાય તો ઇબોલાના વધતા પ્રકોપને રોકવામાં મોટી સફળતા મળી શકે છે.

આ પણ વાંચો: દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી સલીમ ડોલાના નેટવર્ક પર EDનો શિકંજો, ગુજરાત સહિત 20 સ્થળોએ દરોડા

 

Back to top button