કચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાત

કૃષિ સહાયની વેબસાઇટનું સર્વર વારંવાર ડાઉન! અમરેલીમાં ખેડૂતો રાત્રે કડકડતી ઠંડીમાં લાઇનમાં ઊભા રહેવા મજબૂર

સાવરકુંડલા, તા. 18 નવેમ્બર, 2025: ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવામાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગામમાં ખેડૂતોને નેટ કનેક્ટિવિટી અને સર્વર ડાઉન રહેવાની સમસ્યાને કારણે ફોર્મ ભરવા માટે રાત્રે ઉજાગરા કરવા પડી રહ્યા છે.

ખેડૂતોને રાહત આપવા માટે સરકારે સહાયની જાહેરાત તો કરી, પરંતુ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ટેકનિકલ મુશ્કેલીઓ અવરોધ બની છે. ભેંકરા ગામમાં દિવસ દરમિયાન સરકારી વેબસાઇટનું સર્વર સતત ડાઉન રહે છે. એક ફોર્મ ભરવામાં 15 મિનિટ જેટલો સમય લાગે છે, અને વારંવાર સર્વર ડાઉન થવાથી ‘એરર’ આવે છે, જેના કારણે ખેડૂતોનું કામ અટકી પડે છે.

દિવસ દરમિયાન કામગીરી ન થતી હોવાથી, ગ્રામ પંચાયતે ખેડૂતોના ફોર્મ ભરવાની કામગીરી રાત્રિના સમયે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ ગ્રામ પંચાયતમાં એકઠા થઈ રહ્યા છે. ખેડૂતોને તકલીફ ન પડે તે માટે વિલેજ કમ્પ્યુટર ઓપરેટર (V.C.) મોડી રાત સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રાખે છે. ખેડૂતો ઠંડીથી બચવા માટે તાપણું કરીને બેસી રહે છે અને તેમનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે.

ભેંકરા ગામમાં કુલ 389 ખેડૂત ખાતેદારો છે, જેમાંથી અત્યાર સુધીમાં લગભગ 100 ફોર્મ ભરાઈ ગયા છે. સમયસર તમામ ખેડૂતો સહાયનો લાભ લઈ શકે તે માટે બાકીના ફોર્મ પણ આ રીતે રાત્રે જાગીને ભરવામાં આવી રહ્યા છે.

Back to top button