‘દ્રશ્યમ 3’ માં અજય દેવગણ સાથે ટકરાશે પ્રકાશ રાજ: અક્ષય ખન્નાએ કેમ છેલ્લી ઘડીએ છોડી ફિલ્મ

નવી દિલ્હીઃ 10 ફેબ્રુઆરી, 2026: ફિલ્મ ‘દ્રશ્યમ’ના ત્રીજા ભાગની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં અક્ષય ખન્નાના બહાર નીકળ્યા બાદ ચાહકો નિરાશ થયા હતા, પરંતુ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ, આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજની એન્ટ્રી થઈ છે.
પ્રકાશ રાજ નિભાવશે નવો અવતાર
બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, પ્રકાશ રાજે ફિલ્મ સાઈન કરી લીધી છે અને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. અગાઉ એવી ચર્ચાઓ હતી કે તેઓ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવશે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ પોલીસ નહીં પણ કોઈ તદ્દન નવું અને અણધાર્યું પાત્ર ભજવતા જોવા મળશે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
‘દ્રશ્યમ 3’ નું નિર્દેશન અભિષેક પાઠક કરી રહ્યા છે અને તેને સ્ટાર સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ પરંપરા મુજબ 2 ઓક્ટોબર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અક્ષય ખન્નાના એક્ઝિટ પાછળનું અસલી કારણ
ડિરેક્ટર અભિષેક પાઠકે જણાવ્યું કે, અક્ષય ખન્નાએ શૂટિંગ શરૂ થવાના માત્ર 5 દિવસ પહેલા ફિલ્મ છોડી દીધી હતી. અક્ષયના બહાર નીકળવા પાછળના કારણો નીચે મુજબ હોવાનું મનાય છે. રિપોર્ટ મુજબ અક્ષય ખન્ના તેમના પાત્ર માટે ‘વિગ’ પહેરવા માંગતા હતા, પરંતુ ડિરેક્ટરના મતે તેનાથી ફિલ્મની કન્ટીન્યુટી બગડતી હતી કારણ કે અગાઉના ભાગમાં તેમનો બાલ્ડ લૂક (ટાલ વાળો લૂક) હતો. જોકે 21 કરોડની ફીની માંગણીની વાતોને ડિરેક્ટરે ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે પેમેન્ટનો કોઈ પ્રશ્ન નહોતો. ડિરેક્ટરે એમ પણ કહ્યું કે અક્ષયે કદાચ લોકોના કહેવામાં આવીને આ નિર્ણય લીધો છે.
અક્ષય ખન્નાની આગામી ફિલ્મ
અક્ષય ખન્ના હવે સની દેઓલ સાથે એક્શન થ્રિલર ફિલ્મ ‘ઈક્કા’ માં જોવા મળશે, જે આ વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.












