ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ટેન્ટમાં ડ્રેસિંગ રૂમ, 500 મીટર દૂર વોશરૂમ! BCCIએ વ્યક્ત કરી નારાજગી

Asian Games : જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ 2026માં ક્રિકેટનો રોમાંચ જોવા મળશે. ચીનમાં 3 વર્ષ અગાઉ યોજાયેલી રમતોમાં પણ T20 ફોર્મેટમાં ક્રિકેટ રમાયું હતું, જ્યાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ફરી એકવાર ભારતીય ટીમ ગોલ્ડ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે અને આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પોતાની મુખ્ય (ફુલ-સ્ટ્રેન્થ) ટીમની પસંદગી કરવામાં આવી છે. જોકે, એક તાજા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જાપાનના જે વેન્યુ પર ક્રિકેટ મેચો યોજાવાની છે, ત્યાં ડ્રેસિંગ રૂમથી લઈને વોશરૂમ જેવી મૂળભૂત સુવિધાઓથી BCCI સંતુષ્ટ નથી, જેના કારણે કદાચ દ્વિતીય હરોળની (B-ટીમ) મોકલવામાં આવી શકે છે.

આ વખતે એશિયન ગેમ્સનું આયોજન જાપાનના આઈચી-નાગોયા (Aichi-Nagoya) ખાતે થવા જઈ રહ્યું છે, જેમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતોત્સવની સત્તાવાર શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે, પરંતુ મહિલા ક્રિકેટના મુકાબલા 17 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. જ્યારે પુરુષ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી થશે. આ બંને ઇવેન્ટ્સમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી એશિયાની સૌથી મજબૂત ટીમો ભાગ લઈ રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કઈ વ્યવસ્થાઓથી BCCI નારાજ છે?

આ બંને ઇવેન્ટ્સ માટે BCCIએ મજબૂત ભારતીય ટીમની પસંદગી કરી છે, જેમાં તમામ મુખ્ય ખેલાડીઓ સામેલ છે. જોકે, હવે એવું લાગી રહ્યું છે કે BCCI આ સ્ક્વોડમાં ફેરફાર કરી શકે છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈચી-નાગોયા ખાતે ક્રિકેટ માટે જે વેન્યુ નક્કી કરવામાં આવ્યું છે, ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓથી BCCI તેમજ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) સંતુષ્ટ નથી.

જે મેદાન પર મેચો રમાવાની છે, ત્યાં ખેલાડીઓને તૈયાર થવા માટે ટેન્ટ (તંબુ) લગાવવામાં આવી રહ્યા છે, જેનો ઉપયોગ ડ્રેસિંગ રૂમ તરીકે કરવામાં આવશે. એટલું જ નહીં, ખેલાડીઓ માટેના વોશરૂમ આ ટેન્ટથી આશરે 500 મીટર દૂર સ્થિત છે. આ ઉપરાંત ખેલાડીઓને રોકાણ માટે જે હોટેલ ફાળવવામાં આવી છે તે પણ ઘણી નાની છે.

શું ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર?

રિપોર્ટ મુજબ, ACCની બેઠક દરમિયાન જાપાન ઓલિમ્પિક કમિટીને આ તમામ વાંધાઓથી વાકેફ કરવામાં આવી હતી. હવે BCCI ટૂંક સમયમાં જાપાન ખાતે એક ઓબ્ઝર્વર (નિરીક્ષક) મોકલશે, જે સ્થળ પરની વ્યવસ્થાઓની સમીક્ષા કરશે. આ નિરીક્ષકના અહેવાલના આધારે જ BCCI આગળનો નિર્ણય લેશે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો એ જોવું રસપ્રદ રહેશે કે BCCI ટીમમાં કેવા ફેરફારો કરે છે અને શું આ ફેરફારો મહિલા અને પુરુષ બંને ટીમોમાં જોવા મળશે કે કેમ.

આ પણ વાંચો :શું કોરોનાની જેમ દેશમાં ફેલાઈ શકે છે સ્વાઈન ફ્લૂ? જાણો શું કહે છે ડોક્ટર

ઉલ્લેખનીય છે કે પુરુષ ટીમનું નેતૃત્વ નિયમિત કેપ્ટન શ્રેયસ ઐયર કરશે, જેમાં જસપ્રીત બુમરાહ, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, અર્શદીપ સિંહ જેવા સ્ટાર્સ સામેલ છે. જ્યારે મહિલા ટીમ હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ઉતરશે, જેમાં સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, રિચા ઘોષ સહિતની તમામ મુખ્ય ખેલાડીઓ સામેલ છે.

ભારતીય પુરુષ સ્ક્વોડ

શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી, જસપ્રીત બુમરાહ.

ભારતીય મહિલા સ્ક્વોડ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમાલિની (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, ભારતી ફૂલમાલી, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ, નંદિની શર્મા.

આ પણ વાંચો :નેપાળમાં ટનલ રેસ્ક્યૂ ટીમ મોકલશે ભારત, અત્યાર સુધીમાં આપણા કેટલા નાગરિકોને બચાવાયા? સામે આવી વિગતો

Back to top button