આ બીમાર લોકો છે, હું કોઈ ડીલ કરવા માંગતો નથી: ઈરાન પર ટ્રમ્પ ગુસ્સે ભરાયા

World News: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને લઈને કડક નિવેદન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ હવે ઈરાન સાથે કોઈ નવી ડીલ કરવા માંગતા નથી અને ઈરાન સાથે સમજૂતી કરવાનો સમય હવે પૂરો થઈ ગયો છે.
ટ્રમ્પે ઈરાન પર નિશાન સાધતા કહ્યું કે તેઓ બીમાર લોકો છે. હું તેમની સાથે કોઈ ડીલ કરવા માંગતો નથી. મારા મતે હવે ઈરાન સાથે સમજૂતીનો મુદ્દો સમાપ્ત થઈ ગયો છે. તેમના આ નિવેદનને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
મિડલ ઈસ્ટમાં તણાવ ઘટી રહ્યો નથી
મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પે કહ્યું કે હવે ઈરાન સાથે કોઈપણ પ્રકારની નવી વાતચીત અથવા કરાર કરવાની તેમની કોઈ ઈચ્છા નથી. તેમણે સંકેત આપ્યો કે અમેરિકા ઈરાન સામે વધુ કડક વલણ અપનાવી શકે છે.
ઈરાન ઉપરાંત ટ્રમ્પે નાટો (NATO) પર પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકા તેના હિસ્સા કરતાં વધુ નાણાકીય ભાર ઉઠાવી રહ્યું છે અને અન્ય સભ્ય દેશોએ પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.
ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પે કહ્યું કે તે અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો વિસ્તાર છે અને આ મુદ્દે નાટોનું વલણ સંતોષકારક નથી.
સ્પેન અંગે પણ ટ્રમ્પે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે તેઓ સ્પેન સાથે કોઈ વેપાર કરવા માંગતા નથી અને અમેરિકાના નાણામંત્રીને સ્પેન સાથેના વેપારિક સંબંધો સમાપ્ત કરવાની પણ સલાહ આપી છે. ટ્રમ્પે સ્પેનને નાટોનો ખૂબ જ નબળો ભાગીદાર પણ ગણાવ્યો.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી પરમાણુ કાર્યક્રમ સહિત અનેક મુદ્દાઓ પર મતભેદ ચાલી રહ્યા છે. ટ્રમ્પના આ નિવેદનને અમેરિકાના વધુ કડક અભિગમના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.












