ધોલેરા નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત: કાર સળગી જતાં માતા અને 1 વર્ષના માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત

Dholera Car Accident: અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં ચાંદની હોટલ નજીક મંગળવારે સાંજે એક અત્યંત કરુણ અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મૂળ ધોલેરાના ઓતરિયા ગામના અને હાલ સુરત ખાતે રહેતા પરિવારની કાર અચાનક અકસ્માતનો ભોગ બનતાં રોડ પર પલ્ટી મારી ગઈ હતી. પલટી માર્યા બાદ કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેણે જોતજોતામાં આખી કારને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આ કાળજું કંપાવનારી ઘટનામાં કારમાં સવાર માતા અને તેમના 1 વર્ષના માસૂમ પુત્રનું જીવતા સળગી જતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
કારમાં સવાર માતા-પુત્રનું ભડથું થતાં મોત
અકસ્માતમાં 1 વર્ષના પુત્ર ધનુષ જતીન કાકડિયા તથા તેની માતા અમીબેન જતીનભાઈ કાકડિયા કારની અંદર જ ફસાઈ જતાં સળગીને ભસ્મીભૂત થઈ ગયા હતા. જ્યારે પરિવારના અન્ય 2 સભ્યો—જતીનભાઈ કાકડિયા અને તેમના પિતા સવજીભાઈ કાકડિયા ગંભીર રીતે દાઝી જતાં અને ઈજા પામતાં તેમને તાત્કાલિક ધોલેરાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પત્ની અને પુત્રને બચાવવા પતિની મદદ માટે આજીજી
કાર સળગી રહી હતી તે સમયે જતીનભાઈ કાકડિયા પોતાની પત્ની અને માસૂમ પુત્રને બચાવવા માટે રસ્તા પરથી પસાર થતા લોકો સામે આજીજી કરી રહ્યા હતા. તેઓ કલ્પાંત કરતા કહી રહ્યા હતા કે “તમે આટલા બધા લોકો છો, કારને સીધી કરી આપો,” પરંતુ આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કોઈ નજીક જવાની હિંમત કરી શક્યું નહોતું.
પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તપાસ શરુ
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને બચાવ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડે ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને બળી ગયેલા મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે મોકલ્યા હતા. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે ધોલેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન












