ઇન્ડિગો પર DGCAએ લગાવ્યો 40 લાખનો દંડ, ગેરમાન્ય સિમ્યુલેટરથી ટ્રેનિંગનો આરોપ

નવી દિલ્હીઃ 12 ઓક્ટોબરઃ 2025: નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ઈન્ડિગો એરલાઇન પર 40 લાખ રુપિયાનો મોટો દંડ ફટકાર્યો છે. આ દંડ પાયલટ તાલીમ માટે ખોટા સિમ્યુલેટરનો ઉપયોગ કરવા બદલ લગાવવામાં આવ્યો છે.
ઇન્ડિગોએ લેહ, કાઠમંડુ અને કાલીકટ જેવા જોખમી એરપોર્ટ માટે પાયલટ તાલીમ આપતી વખતે બિન-લાયક સિમ્યુલેટરનો ઉપયોગ કર્યો હતો. આ એરપોર્ટને “કેટેગરી સી એરડ્રોમ” કહેવામાં આવે છે કારણ કે અહીં ઉતરાણ કરવું અને ઉડાન ભરવું મુશ્કેલ હોય છે. સિમ્યુલેટર એક પ્રકારની કમ્પ્યુટર સિસ્ટમ છે જે વાસ્તવિક વિમાનની જેમ કામ કરે છે અને પાયલટોને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાય છે.
કોના પર લાગ્યો દંડ? DGCA એ ઇન્ડિગોના બે મોટા અધિકારીઓ પર દંડ લગાવ્યો:
- ડિરેક્ટર ટ્રેનિંગ પર ₹20 લાખ
- ડિરેક્ટર ફ્લાઇટ ઑપ્સ પર ₹20 લાખ
કેવી રીતે થઈ કાર્યવાહી?
22 ઓગસ્ટે DGCA એ ઇન્ડિગોને નોટિસ મોકલી જવાબ માંગ્યો હતો. પરંતુ ઇન્ડિગોના અધિકારીઓનો જવાબ DGCA ને અસંતોષકારક લાગ્યો. 23 સપ્ટેમ્બરના રોજ DGCA એ આદેશ જાહેર કરીને દંડ લગાવ્યો.
અપીલનો અધિકાર
DGCA એ પોતાના નિયમો અનુસાર બંને અધિકારીઓને એક અઠવાડિયાની અંદર અપીલ કરવાની તક આપી હતી. હજી સુધી એ જાણી શકાયું નથી કે ઇન્ડિગોએ અપીલ કરી છે કે નહીં.
ઇન્ડિગોની પ્રતિક્રિયા
8 ઓક્ટોબરે ઇન્ડિગોએ બૉમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને જણાવ્યું હતું કે તેમના પર દંડ લગાવવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું હતું કે, ‘કેટેગરી સી એરડ્રોમ માટે પાયલટ તાલીમમાં લાયક સિમ્યુલેટરનો ઉપયોગ ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કંપની આ આદેશ વિરુદ્ધ યોગ્ય અપીલીય ઓથોરિટીમાં જવાની પ્રક્રિયામાં છે.’
આ પણ વાંચોઃ સલૂનમાં નોકરીનું વચન અને ગંદો ધંધો, બાંગ્લાદેશી મહિલાઓએ જણાવી આપવીતી
આ પણ વાંચોઃ બિહાર ચૂંટણી માટે NDAમાં સીટ શેરિંગ ફોર્મ્યુલાની જાહેરાત : જાણો કોણ કેટલી બેઠક પર લડશે












