ગુજરાત

ગાઢ ધુમ્મસના લીધે દિલ્હી-વડોદરાની ફ્લાઈટ કરાઈ રદ

દિલ્હીમાં દિવસે દિવસે વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે. ત્યારે આઝે પણ ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ ફ્લાઈટ રદ્દ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E 6694/6695 તેમજ એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 1701/1808 આજે ખરાબ હવામાનના કારણે ઉડાન ભરી શકી નહોતી. દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ છવાઈ જતા દૃશ્યતા અત્યંત ઓછી રહી હતી, જેના કારણે સુરક્ષા કારણોસર ફ્લાઇટ ઓપરેશન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિણામે વડોદરા એરપોર્ટ પર મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી.

ફ્લાઇટ રદ થવાથી ખાસ કરીને વડોદરાથી દિલ્હી જવાના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા મુસાફરો વ્યવસાયિક કામ, સારવાર તેમજ વ્યક્તિગત કારણોસર દિલ્હી જવા રવાના થયા હતા, પરંતુ અચાનક ફ્લાઇટ રદ થવાના સમાચાર મળતા તેઓ ચિંતામાં મુકાયા હતા. એરપોર્ટ પર મુસાફરોમાં ગૂંચવણ જોવા મળી હતી.

એરલાઇન્સ દ્વારા મુસાફરોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ફ્લાઇટ રદ થવાને કારણે કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. એર ઇન્ડિયા અને ઇન્ડિગો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત મુસાફરોને આગામી ઉપલબ્ધ ફ્લાઇટમાં મોકલવામાં આવશે અથવા તો તેમની ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

Back to top button