શાહરૂખ ખાન અને ગૌરી ખાનની કંપની ‘રેડ ચિલીઝ’ને દિલ્હી હાઈકોર્ટનું તેડું: પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેએ માનહાનિનો કેસ દાખલ કર્યો

નવી દિલ્હી 8 ઓક્ટોબર 2025: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનની માલિકીની પ્રોડક્શન કંપની ‘રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ’ અને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સને દિલ્હી હાઈકોર્ટે સમન્સ પાઠવ્યા છે. આ સમન્સ પૂર્વ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અધિકારી સમીર વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસના સંદર્ભમાં આપવામાં આવ્યા છે.
કેસનું કારણ: ‘The Ba**ds of Bollywood‘ વેબ સિરીઝ
આ વિવાદ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન દ્વારા નિર્દેશિત વેબ સિરીઝ ”The Ba**ds of Bollywood” ને લઈને થયો છે, જે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.
સમીર વાનખેડેના મુખ્ય આરોપો:
- છબી ખરાબ કરવાનો આક્ષેપ: વાનખેડેનો આરોપ છે કે આ સિરીઝમાં એક પાત્રને ખોટી, દૂષિત અને બદનક્ષીભરી રીતે દર્શાવવામાં આવ્યું છે, જે તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. સિરીઝમાં આ પાત્ર તેમને મળતું આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
- રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન: તેમના દાવા મુજબ, સિરીઝના એક દ્રશ્યમાં એક પાત્ર ‘સત્યમેવ જયતે’નો નારો બોલ્યા પછી અશ્લીલ ઇશારો (વચ્ચેની આંગળી) કરે છે, જે ‘રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન’ છે અને કાયદાનું ઉલ્લંઘન કરે છે.
- તપાસ એજન્સીઓ પર નકારાત્મક અસર: વાનખેડેએ એવો પણ આરોપ લગાવ્યો છે કે સિરીઝમાં નશા વિરુદ્ધ કામ કરતી એજન્સીઓને ખોટી રીતે બતાવીને લોકોનો કાયદા અમલ કરતી સંસ્થાઓ પરનો વિશ્વાસ ઓછો થાય છે.
વળતરની માંગ: સમીર વાનખેડેએ માનહાનિ બદલ શાહરૂખ ખાનની કંપની અને અન્ય પક્ષો પાસેથી રૂ. 2 કરોડના વળતરની માંગણી કરી છે. તેમણે જાહેર કર્યું છે કે જો તેમને વળતર મળશે તો તે રકમ કેન્સરના દર્દીઓની સારવાર માટે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને દાનમાં આપશે.
કોર્ટની કાર્યવાહી: દિલ્હી હાઈકોર્ટે ‘રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ’ અને અન્ય પ્રતિવાદીઓને નોટિસ પાઠવીને સાત દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી ઓક્ટોબર 30ના રોજ થવાની શક્યતા.
આ પણ વાંચો: ચંડોળા તળાવ ડિમોલિશન મામલો: અસરગ્રસ્તોની EWS આવાસ અને સરળ હપ્તાની માંગ સાથે AMC ઓફિસ બહાર દેખાવો












