પવન કલ્યાણના પુત્રની AI ફિલ્મ પર દિલ્હી હાઇકોર્ટની રોક, 72 કલાકમાં ઈન્ટરનેટ પરથી કન્ટેન્ટ હટાવવાનો આદેશ

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026 : દિલ્લી હાઇકોર્ટે આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી તથા અભિનેતા પવન કલ્યાણના પુત્ર અકિરા નંદનના નામ, છબી અને વ્યક્તિત્વના દુરુપયોગ મામલે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે અકિરા નંદનને મુખ્ય પાત્ર તરીકે દર્શાવતી AI-જનરેટેડ ફિલ્મના પ્રસાર અને પ્રસારણ પર તાત્કાલિક રોક લગાવી છે.
ન્યાયમૂર્તિ તુષાર તાઓ ગડેલાએ અકિરા નંદન ઉર્ફે અકિરા દેસાઈ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સાંભવામી સ્ટુડિયો એલએલપી દ્વારા યુટ્યુબ પર લગભગ એક કલાકની ફિલ્મ અપલોડ કરવામાં આવી હતી, જેને “દુનિયાની પહેલી ગ્લોબલ AI ફિલ્મ” તરીકે રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અકિરા નંદનને મુખ્ય ભૂમિકામાં દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે તેની માટે તેમની કે તેમના પરિવારની કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી.
વ્યક્તિત્વ અને કૉપીરાઇટ હકોનું ઉલ્લંઘન
અરજીમાં વધુમાં જણાવાયું હતું કે AI કન્ટેન્ટમાં અકિરા નંદન સાથે જોડાયેલા કલ્પિત અને અંતરંગ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે, જે તેમની ખાનગી જિંદગી, પ્રતિષ્ઠા અને વ્યક્તિત્વ હકોને ગંભીર નુકસાન પહોંચાડે છે. હાઇકોર્ટે જણાવ્યું કે આવા પ્રકારનું કન્ટેન્ટ વાદીની છબી, નામ અને પ્રતિષ્ઠાને અપૂરણીય નુકસાન પહોંચાડી શકે છે તેમજ તેમના વ્યક્તિત્વ સાથે જોડાયેલા કૉપીરાઇટનું પણ ઉલ્લંઘન કરે છે.
કોર્ટના મત અનુસાર, AI અને ડીપફેક ટેકનોલોજીના કથિત દુરુપયોગથી અકિરા નંદનના વ્યક્તિત્વ અધિકાર, નૈતિક અધિકાર, પ્રચાર અધિકાર અને ગોપનીયતાના અધિકારનું હનન થયું છે. સાથે જ આ કન્ટેન્ટ સામાન્ય જનતાને ભ્રમિત કરવાની કોશિશ પણ છે.
મુખ્ય ભૂમિકામાં દર્શાવી વ્યાવસાયિક શોષણ
23 જાન્યુઆરીના આદેશમાં હાઇકોર્ટે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ છે કે વાદી એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે જોડાયેલા છે અને આંધ્ર પ્રદેશના મનોરંજન જગતમાં તેમની વિશેષ ઓળખ છે. AI ટૂલ્સ દ્વારા તેમને મુખ્ય પાત્ર તરીકે દર્શાવી ફિલ્મ બનાવવી, તેમના નામ, છબી, અવાજ અને વ્યક્તિત્વના વ્યાવસાયિક શોષણ તરફ સંકેત આપે છે.
કોર્ટે નોંધ્યું કે જો આ મામલે રોક ન લગાવવામાં આવે, તો વાદીને થનારી હાનિની ભરપાઈ માત્ર નાણાંથી શક્ય નથી અને તેમની છબી પુનઃસ્થાપિત કરવી પણ સહેલી નથી.
72 કલાકમાં કન્ટેન્ટ હટાવવાનો આદેશ
હાઇકોર્ટે એકતરફી અંતરિમ રાહત આપતાં ફિલ્મ અને તે સંબંધિત તમામ ઓનલાઈન કન્ટેન્ટને તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ પ્રતિવાદીઓને અકિરા નંદનના નામ, છબી, અવાજ, હાવભાવ અથવા કોઈપણ ઓળખપાત્ર લક્ષણનો AI, જનરેટિવ AI, મશીન લર્નિંગ અથવા ડીપફેક ટેકનોલોજી દ્વારા કોઈપણ રીતે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
કોર્ટે ફિલ્મ સંબંધિત ક્લિપ્સ, શોર્ટ્સ અને પ્રમોશનલ સામગ્રીને તમામ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો પણ આદેશ આપ્યો છે. ઉપરાંત, મેટા પ્લેટફોર્મ્સને 72 કલાકની અંદર ઉલ્લંઘન કરનાર URLs હટાવવા માટે સંબંધિત યુઝરને સૂચના આપવા જણાવ્યું છે. જો યુઝર આ આદેશનું પાલન ન કરે, તો મેટાને પોતે જ કન્ટેન્ટ હટાવવું પડશે.
આ કેસની આગામી સુનાવણી 5 ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો : દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ: 6 વર્ષની માસૂમ બાળકી પર ગેંગરેપ, 3 સગીર છોકરા પર લાગ્યો આરોપ












