Crime News: અમરેલીમાં ગ્રીષ્મા કાંડ થતા થતા રહી ગયો, યુવતી પર હુમલો કરનારા બે ઝડપાયા

અમરેલી, તા. 18 સપ્ટેમ્બર, 2025: સુરતમાં 12 ફેબ્રુઆરી, 2022ના રોજ ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની એકતરફી પ્રેમમાં પાગલ થઈને જાહેરમાં ઘાતકી રીતે હત્યા કરી હતી. આ ઘટનાના રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગ્રીષ્મા તેના પરિવારજનો સાથે હતી, ત્યારે ફેનિલે ચાકુ વડે તેના પર હુમલો કર્યો. તેણે ગ્રીષ્માનો ગળું કાપી નાખ્યું અને તેના શરીર પર પણ અનેક ઘા માર્યા હતા. આ ઘટના સમયે લોકોનું મોટું ટોળું ત્યાં હાજર હતું, પરંતુ કોઈ તેને બચાવી શક્યું નહીં. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કઈંક આવી જ ઘટના અમરેલી શહેરમાં બનતા રહી ગઈ હતી.
અમરેલી શહેરના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં મંગળવારે એક યુવકે 24 વર્ષીય યુવતી પર છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવતીને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે મામલે અમરેલી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.
પ્રાથમિક પોલીસ તપાસમાં ભોગ બનનારની એક મહિના પહેલા અન્ય જગ્યાએ સગાઈ કરવામાં આવી હતી. આરોપી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો અને હવે આરોપી સાથે વાત ન કરતી હોવાના કારણે હુમલો કર્યો હોવાનું આરોપીએ પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું. આરોપી વિપુલ જાદવ વિરૂદ્ધ અગાઉ જુગાર સહિતના અનેક ગુનાઓ નોંધાયા હતા.
આ ઘટનાને લઈ મહિલા કોંગ્રેસ નેતા જેની ઠુંમર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે યુવતીની મુલાકાત લઈને સરકાર સામે કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ પણ પીડિતાના ખબર અંતર પૂછ્યા હતા.
આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત પર મેઘો મહેરબાન, સુરત જળબંબાકાર












