CM ભૂપેન્દ્ર પટેલે ભરૂચના સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણી સોમવારે દર્શન-પૂજન કર્યા, જાણો શું છે આ મંદિરનો મહિમા

ભરૂચ, તા. 4 ઓગસ્ટ, 2025: આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્જન અને યજ્ઞમાં આહૂતિ આપી હતી. ભરૂચ જિલ્લામાં વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહર્ત કાર્યક્રમનો પ્રારંભ મુખ્યપ્રધાન સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી કર્યો હતો.
તેમણે ભગવાન ભોળાનાથ પાસે સૌના કલ્યાણ અને રાષ્ટ્ર-રાજ્યની અવિરત પ્રગતિની પ્રાર્થના કરીને મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે મુખ્યપ્રધાને વાતચીત કરી હતી અને યાત્રિકોને મંદિર દ્વારા થતા પ્રસાદ વિતરણમાં જોડાયા હતા.
આ તીર્થક્ષેત્રના દર્શન માટે આવતા યાંત્રિકોની સગવડ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બે કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી પર્પસ હોલ, પેવર બ્લોક્સ તથા યાત્રિકોને બેસવા માટે બેન્ચીસ વગેરે સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સ્તંભેશ્વર મહાદેવનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ
ભરૂચના જંબુસર તાલુકાના કંબોઈ ગામ નજીક મહી નદી સમુદ્રને મળે છે તે સ્થળે નદી અને સમુદ્રના સંગમ નજીક આ પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવ સ્થિત છે. મંદિરના શિવલિંગ પર દિવસમાં બે વાર દરિયાના ભરતીના પાણીનો આપમેળે અભિષેક થાય છે.
સ્તંભેશ્વર મહાદેવના ઇતિહાસ અને મહિમા વિશે અનેક કથાઓ પ્રચલિત છે.
તાડકાસુર વધ અને શિવલિંગની સ્થાપના: પૌરાણિક કથા અનુસાર, ભગવાન કાર્તિકેય દ્વારા તાડકાસુર રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો. જોકે, તાડકાસુર ભગવાન શિવનો પરમ ભક્ત હતો. પોતાના ભક્તના વધથી કાર્તિકેયને પાપ લાગ્યું હોવાનો ભાસ થયો. ત્યારે ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને પાપમુક્તિ માટે શિવલિંગ સ્થાપિત કરી તેની પૂજા કરવાનું સૂચવ્યું. કાર્તિકેયે દેવોની મદદથી આ સ્થળે પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી. તેમાંથી એક શિવલિંગ અહીં સ્તંભેશ્વર મહાદેવ તરીકે પ્રસ્થાપિત થયું હોવાનું મનાય છે.
પંચલિંગનું મહત્ત્વ: આ મંદિરને પંચલિંગ મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પાંચ લિંગોની સ્થાપનાની કથા સાથે જોડાયેલું છે.
દરિયામાં સમાઈ જવાની અનોખી ઘટના
સ્તંભેશ્વર મહાદેવનો સૌથી મોટો મહિમા અને આકર્ષણ તેની કુદરતી ભરતી-ઓટની ઘટના સાથે સંકળાયેલો છે.
ભરતી સમયે શિવલિંગનું વિસર્જન: દિવસમાં બે વાર, જ્યારે દરિયામાં ભરતી આવે છે, ત્યારે શિવલિંગ સંપૂર્ણપણે સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ જાય છે. એવું લાગે છે કે જાણે શિવલિંગનું જળવિસર્જન થઈ રહ્યું હોય. આ સમયે મંદિર અને તેની આસપાસનો વિસ્તાર પાણીમાં ડૂબી જાય છે.
ઓટ સમયે દર્શન: જ્યારે ઓટ આવે છે, ત્યારે દરિયાનું પાણી પાછું ખેંચાઈ જાય છે અને શિવલિંગ ફરીથી પ્રગટ થાય છે. આ સમયે શ્રદ્ધાળુઓ શિવલિંગના દર્શન અને પૂજા-અર્ચના કરી શકે છે. આ દ્રશ્ય ભક્તો અને પ્રવાસીઓ માટે અત્યંત આશ્ચર્યજનક અને દિવ્ય અનુભવ પ્રદાન કરે છે.
પૂજારી દ્વારા સુરક્ષા: આ અનોખી ઘટનાને કારણે પૂજારીઓ દરરોજ સવાર-સાંજ ભરતી-ઓટના સમયપત્રક અનુસાર દર્શનનો સમય નક્કી કરે છે. તેઓ પાણી ઓછું થયા પછી તરત જ શિવલિંગને સાફ કરે છે અને પૂજા-અર્ચના શરૂ કરે છે.
આ પણ વાંચોઃ બારડોલીમાં ESIC હોસ્પિટલ શરૂ કરવા સાંસદ પ્રભુભાઈ વસાવાએ લોકસભામાં કરી રજૂઆત












