ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્પક્ષતા… કોકરોચ જનતા પાર્ટીએ જંતર-મંતરથી કરી આ 5 માંગ

CJP Protest: આજે રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે એક મોટું વિરોધ પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનમાં હજારો યુવાનો જોડાયા હતા. CJPના સ્થાપક અભિજીત દીપકેએ પ્રદર્શનનું નેતૃત્વ સંભાળ્યું હતું. પ્રદર્શનકારીઓએ NEET, CUET સહિતની પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાયેલા આ પ્રદર્શનમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આ એક લાંબી લડાઈ છે – અભિજીત દીપકે

પ્રદર્શન દરમિયાન અભિજીત દીપકેએ કહ્યું કે આ આંદોલન લાંબા સમય સુધી ચાલવાનું છે અને તેઓ પોતાની માંગણીઓથી પાછળ હટવાના નથી. તેમણે કહ્યું કે છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા પર રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી રહી છે, પરંતુ કાર્યવાહી કરવાના બદલે સરકાર ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.

દીપકેએ આરોપ લગાવ્યો કે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરવામાં આવ્યા અને કેટલીક પોસ્ટ્સ પણ ડિલીટ કરાવવામાં આવી. તેમણે કહ્યું, “તમે અમારી પોસ્ટ્સ હટાવી શકો છો, પણ અમને આ જગ્યાએથી મિટાવી શકતા નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ લડાઈ માત્ર એક વ્યક્તિની નહીં, પરંતુ લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્નોની છે.

પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓ

પ્રદર્શનમાં સામેલ લોકોએ શિક્ષણ મંત્રીના રાજીનામાની સાથે સાથે શિક્ષણ વ્યવસ્થા અને ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દાઓ પણ ઉઠાવ્યા.

1. શિક્ષણમાં ડિજિટલાઈઝેશન પહેલાં યોગ્ય તાલીમ આપવાની માંગ

પ્રદર્શનમાં સામેલ 50 વર્ષીય રાધેશ્યામ કૈથલે કહ્યું કે બેંકિંગ અને શિક્ષણ ક્ષેત્રમાં ઝડપથી ડિજિટલાઈઝેશન થઈ રહ્યું છે, પરંતુ તેની સાથે થતી ગેરરીતિઓ અને દુરુપયોગને રોકવા માટે પૂરતી વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે જેમ બેંકિંગ ક્ષેત્રમાં ફ્રોડના બનાવોમાં વધારો થયો છે, તેમ શિક્ષણ ક્ષેત્રમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

તેમણે માંગ કરી કે કોઈપણ ડિજિટલ સિસ્ટમ લાગુ કરતાં પહેલાં શિક્ષકો અને સંબંધિત કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવામાં આવે, પૂરતી તૈયારી કરાવવામાં આવે અને વ્યવસ્થાને વધુ સુરક્ષિત તથા પારદર્શક બનાવવામાં આવે.

2. મણિપુરમાં શિક્ષણ વ્યવસ્થા સામાન્ય કરવાની માંગ

મણિપુરના વતની અને હાલમાં નોઈડામાં કામ કરતા 32 વર્ષીય વિન્સને જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી મણિપુરમાં પરિસ્થિતિ અસ્થિર છે. તેના કારણે શાળાઓ અને કોલેજોની કામગીરી પર અસર પડી છે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તેમણે માંગ કરી કે મણિપુરમાં શૈક્ષણિક વાતાવરણને ફરીથી સામાન્ય બનાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ નિયમિત રીતે અભ્યાસ કરી શકે અને તેમના ભવિષ્ય પર પડતી નકારાત્મક અસરને અટકાવી શકાય.

3. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતાની માંગ

પ્રદર્શનમાં સામેલ રાજસ્થાનના જયપુરની રહેવાસી 34 વર્ષીય ગાયત્રી સિંહે NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો. તેણીએ કહ્યું કે તેણીનો એક સંબંધી કોટામાં રહીને છેલ્લા ત્રણ વર્ષથી NEETની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ પેપર લીક થવાથી તેનું મનોબળ ડગમગી ગયું.

ગાયત્રી સિંહે કહ્યું કે જ્યારે પરીક્ષાઓમાં ગેરરીતિઓ થાય છે, ત્યારે લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની સીધી અસર પડે છે. તેમણે માંગ કરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક, વિશ્વસનીય અને નિષ્પક્ષ બનાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનો સિસ્ટમ પરનો વિશ્વાસ જળવાઈ રહે.

અન્ય એકે આ મુદ્દે કહ્યું, “છેલ્લા ઘણા વર્ષોથી પરીક્ષાના પેપર લીક થવાની ઘટના વારંવાર બને છે. દર વખતે વિરોધ બાદ સરકાર પરીક્ષા રદ કરી દે છે અને CBI ને તપાસ સોંપી દે છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય રજડી પડે છે પણ આવા કેસોમાં CBI કઈ કરતી નથી. અગાઉના કેસો પણ CBI હજુ સુધી ઉકેલી શકી નથી તો આ સંસ્થા પર કેવી રીતે વિશ્વાસ કરવો? પહેલા તો આવી ઘટના બનતી તો મંત્રીઓના રાજીનામા પડી જતા પણ આ સરકારમાં શિક્ષણ મંત્રી કે પ્રધાનમંત્રી જવાબદેહી તો છોડો આ મુદ્દે વાત કરવા પણ તૈયાર નથી.

અન્ય એક પ્રદર્શનકારીએ આ મુદ્દે કહ્યું, “છેલ્લા ઘણા વર્ષોથી પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓ વારંવાર બને છે. દર વખતે વિરોધ વધે ત્યારે પરીક્ષા રદ કરવામાં આવે છે અને તપાસ CBIને સોંપી દેવામાં આવે છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે. તેમની મહેનત, સમય અને ભવિષ્ય દાવ પર લાગી જાય છે. અગાઉના ઘણા પેપર લીક કેસોની તપાસ હજુ સુધી CBIએ પુર્ણ કરી નથી તો આ વ્યવસ્થા પર વિશ્વાસ કેવી રીતે કરવો?

અગાઉ આવી ગંભીર ઘટનાઓ બનતી ત્યારે જવાબદારી નક્કી થતી અને રાજકીય સ્તરે પણ પગલાં લેવામાં આવતા. ત્યારે મંત્રીઓના રાજીનામા પડી જતા પણ હાલની સ્થિતિમાં શિક્ષણ વ્યવસ્થાને લગતા આટલા મોટા મુદ્દાઓ પર પણ જવાબદારી સ્વીકારવા કે ખુલ્લી ચર્ચા કરવા સરકાર તૈયાર નથી. પ્રધાનમંત્રી કે શિક્ષણમંત્રીએ આ મુદ્દે જબાવદેહી સ્વીકારવી જ પડશે.

4. વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નો પર ધ્યાન આપવાની અપીલ

દિલ્હીના 18 વર્ષીય રોનક કુમારે કહ્યું કે શરૂઆતમાં તેને ખાતરી નહોતી કે તે વિરોધમાં જોડાશે કે નહીં, પણ બાદમાં તે આવી ગયો. તેણે કહ્યું કે આ સંગઠન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના પ્રશ્નોને અવાજ આપી રહ્યું છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રોનકે જણાવ્યું કે શિક્ષણ અને પરીક્ષાઓ સાથે જોડાયેલી સમસ્યાઓની સીધી અસર વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર પર પડે છે. તેથી સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓએ વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાઓને ગંભીરતાથી સાંભળવી જોઈએ અને તેમના પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

5. માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની માંગ

પ્રદર્શનમાં સામેલ મનોચિકિત્સક સુગંધાએ જણાવ્યું કે આ આંદોલને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓને રસ્તા સુધી પહોંચાડી છે. તેમણે કહ્યું કે પરીક્ષાઓ, સ્પર્ધા અને ભવિષ્યની ચિંતાઓના કારણે ઘણા વિદ્યાર્થીઓ ભારે માનસિક દબાણનો સામનો કરી રહ્યા છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો ગંભીર છે અને તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. સુગંધાના જણાવ્યા મુજબ, કેટલાક વિદ્યાર્થીઓએ આ દબાણના કારણે આત્મહત્યા જેવા કઠોર પગલાં પણ ભર્યા છે, છતાં આ મુદ્દે સરકારની કોઈ જવાબદેહી નક્કી થતી નથી.

મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

પ્રદર્શનમાં સેંકડો લોકો જોડાયા હતા, જેમાં મોટાભાગે યુવાનોની હાજરી જોવા મળી હતી. અનેક પ્રદર્શનકારીઓ કોકરોચના માસ્ક પહેરીને અને હાથમાં ફૂલો લઈને સ્થળે પહોંચ્યા હતા. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ પોતાના વાલીઓ સાથે આ પ્રદર્શનમાં સામેલ થયા હતા.

પ્રદર્શન સ્થળે વિદ્યાર્થીઓ, કોલેજીયન યુવાનો અને વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત યુવા પ્રોફેશનલ્સની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. આંદોલનમાં જોડાયેલા લોકોએ કહ્યું કે તેઓ શિક્ષણ, પરીક્ષાઓ અને રોજગાર સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે પોતાનો અવાજ ઉઠાવવા માટે અહીં એકત્ર થયા છે.

શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉગ્ર બની

પ્રદર્શન દરમિયાન CJPના સમર્થકોએ વિવિધ સૂત્રોચ્ચારો સાથે પોતાની માંગણીઓ રજૂ કરી. NEET પેપર લીક, CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કથિત ગેરરીતિઓ તેમજ અન્ય પરીક્ષા સંબંધિત મુદ્દાઓને લઈને પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી.

પ્રદર્શન સ્થળે “ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો” અને “શિક્ષણ વ્યવસ્થાને ન્યાય આપો” જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. કેટલાકે “જય ભીમ”ના નારા પણ લગાવ્યા. પ્રદર્શનકારીઓએ કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ પર જવાબદારી નક્કી થવી જ જોઈએ.

આ પણ વાંચો: ભારતમાં E85 ઇંધણ લોન્ચ, હવે E20 વાહનોનું શું થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો જવાબ

Back to top button