સ્ટારલિંકને ટક્કર આપવા ચીનનો મહાપ્લાન, અંતરિક્ષમાં મોકલશે 28 હજાર ઉપગ્રહો!
china: ચીને છેલ્લા લગભગ 15 દિવસમાં બે સ્પેસ લૉન્ચ કર્યા છે અને સેટેલાઇટ ઇન્ટરનેટનું વિશાળ નેટવર્ક તૈયાર કરવા માટે ઉપગ્રહોને તેમની કક્ષામાં પહોંચાડ્યા છે. અહેવાલો અનુસાર, ચીન સેટેલાઇટ ઇન્ટરનેટના ક્ષેત્રમાં સ્વદેશી સ્તરે આગળ વધી રહ્યું છે. તે સ્ટારલિંક કરતાં પણ મોટું નેટવર્ક બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
સ્ટારલિંક દુનિયાની સૌથી મોટી સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની છે, જેની પાસે 11 હજારથી વધુ ઉપગ્રહો છે. બીજી તરફ, ચીનની યોજના અંતરિક્ષમાં કુલ 28 હજાર ઉપગ્રહો મોકલવાની છે. આ ઉપગ્રહો દ્વારા મળતી ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ સામાન્ય લોકો ઉપરાંત સૈન્ય સંબંધિત કામગીરી માટે પણ કરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સેટેલાઇટ ઇન્ટરનેટના ક્ષેત્રમાં ચીનની પ્રગતિ
ઓર્બિટલ રડારના અહેવાલ અનુસાર, ચીન બે નેટવર્ક દ્વારા ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલી રહ્યું છે. આ નેટવર્કનાં નામ ગુઓવાંગ (Guowang) અને કિયાનફાન (Qianfan) છે. ગુઓવાંગ નેટવર્કનું સંચાલન ચીનની સરકારી કંપની ચાઇના સેટેલાઇટ નેટવર્ક ગ્રુપ કરે છે. આ નેટવર્ક હેઠળ અત્યાર સુધીમાં 222 ઉપગ્રહો અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ, કિયાનફાન નેટવર્કનું સંચાલન શાંઘાઈ સ્પેસસેલ ટેક્નોલોજી કરે છે. આ નેટવર્કના 248 ઉપગ્રહો અત્યાર સુધીમાં અંતરિક્ષમાં પહોંચાડવામાં આવ્યા છે.
ચીનના બે મોટા સેટેલાઇટ નેટવર્ક
-
ગુઓવાંગ નેટવર્ક: આ નેટવર્ક દ્વારા ચીન 13 હજાર ઉપગ્રહો અંતરિક્ષમાં મોકલવાની યોજના ધરાવે છે. તેનું પ્રથમ લોન્ચિંગ ડિસેમ્બર 2024માં થયું હતું. આ નેટવર્ક સરકાર અને સૈન્યને સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવાના હેતુથી વિકસાવવામાં આવી રહ્યું છે.
-
કિયાનફાન નેટવર્ક: આ નેટવર્ક હેઠળ 15 હજાર ઉપગ્રહોનું જૂથ તૈયાર કરવાની યોજના છે. તેના દ્વારા સામાન્ય લોકોને સ્ટારલિંક જેવી સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ચીનનો મુખ્ય હેતુ પોતાનું સ્વતંત્ર સેટેલાઇટ ઇન્ટરનેટ માળખું ઊભું કરવાનો છે. આ નેટવર્ક દ્વારા બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનો વિસ્તાર કરીને વૈશ્વિક સ્તરે સ્ટારલિંકને સ્પર્ધા આપવાની તેની યોજના છે.
આ પણ વાંચો:ઓક્ટોબરમાં છે વક્રતુંડા સંકષ્ટી ચતુર્થી, વ્રત દરમિયાન ન કરો આ 7 ભૂલો
800થી 1,200 કિમીની ઊંચાઈએ બનશે નેટવર્ક, 300 Mbps સુધીની સ્પીડ
ચીનનું સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક પૃથ્વીથી આશરે 800થી 1,200 કિલોમીટરની ઊંચાઈએ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેની સરખામણીમાં સ્ટારલિંકના મોટા ભાગના ઉપગ્રહો પૃથ્વીથી આશરે 550 કિલોમીટરથી ઓછી ઊંચાઈએ કાર્યરત છે. અહેવાલ મુજબ, ચીનનું નેટવર્ક સંપૂર્ણપણે તૈયાર થયા બાદ ઇન્ટરનેટની મહત્તમ સ્પીડ 300 Mbps સુધી પહોંચી શકે છે. તેની લેટન્સી 40થી 80 મિલિસેકન્ડ રહેવાનો અંદાજ છે. લેટન્સી એટલે ડેટા મોકલવાથી લઈને જવાબ મળવા સુધીનો સમય. લેટન્સી ઓછી હોય તો વીડિયો કૉલિંગ, ઑનલાઇન ગેમિંગ અને અન્ય રિયલ-ટાઇમ સેવાઓનો અનુભવ વધુ સારો બની શકે છે. જોકે, વાસ્તવિક સ્પીડ અને લેટન્સી નેટવર્કની ક્ષમતા, વપરાશકર્તાઓની સંખ્યા અને અન્ય ટેક્નિકલ પરિબળો પર આધારિત રહેશે.
ભારતમાં હજુ પણ સ્ટારલિંકની રાહ
એક તરફ ચીન પોતાની સેટેલાઇટ ઇન્ટરનેટ ટેક્નોલોજી વિકસાવી રહ્યું છે, તો બીજી તરફ ભારતમાં સ્ટારલિંકની સેવાઓ શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. તાજેતરમાં સ્ટારલિંક અને જિયો વચ્ચે પણ ચર્ચા જોવા મળી હતી. અહેવાલ મુજબ, એલન મસ્કે દાવો કર્યો હતો કે કેટલીક કંપનીઓને કારણે સ્ટારલિંકને ભારતમાં સેવાઓ શરૂ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ભારતમાં સ્વદેશી સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ વિકસાવવાની જવાબદારી જિયો સહિતની કંપનીઓ માટે મહત્ત્વપૂર્ણ બની રહી છે. જિયો જાહેરાત કરી ચૂક્યું છે કે સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂ કરવાની દિશામાં તે આગામી વર્ષથી ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવાનું શરૂ કરવાની યોજના ધરાવે છે. આગામી સમયમાં ચીનનું 28 હજાર ઉપગ્રહોનું મહત્ત્વાકાંક્ષી નેટવર્ક વૈશ્વિક સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રમાં કેટલી સ્પર્ધા ઊભી કરે છે અને તેની સેવાઓ સામાન્ય લોકો સુધી કેટલી અસરકારક રીતે પહોંચે છે, તેના પર નજર રહેશે.
આ પણ વાંચો:શું તમે ખોરાક ચાવો છો કે ફક્ત ગળી જાઓ છો? ઝડપથી ખાવાની આ હાનિકારક અસરો












