‘ધર્મ અને જાતિના ભેદભાવ વિના બાળકો જ છે દેશની આશા…’ ધર્મનિર્પેક્ષતા મુદ્દે HC જસ્ટિસની મહત્ત્વની ટિપ્પણી

કેરળઃ 9 જુલાઈ, 2025: Kerala High Court: કેરળ હાઇકોર્ટના જસ્ટિસ વીજી અરૂણે સમાજને અપીલ કરી કે, તે એવા બાળકો પાસેથી પ્રેરણા લે જે ધર્મ અને જાતિની ઓળખથી મુક્ત થઈને અભ્યાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આવા બાળકો ભવિષ્યમાં સમાજની રૂઢિચુસ્તતાને નિડર થઈને પડકાર ફેંકનારા વરિષ્ઠ બનશે. કેરળ યુક્તિવાદી સંગમ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વાત કરતા જસ્ટિસ અરૂણે એવા માતા-પિતાના વખાણ કર્યા જે બાળકોને કોઈપણ ધાર્મિક અથવા જાતિગત ઓળખ વિના મોટા કરે છે.
જસ્ટિસ અરૂણે પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘હું એ તમામના વખાણ કરૂ છું, જે પોતાના બાળકોને સ્કૂલ મોકલે છે અને તેમને જાતિ સાથે જોડ્યા વિના શિક્ષણ આપે છે. આ બાળકો કાલની આશા છે. આ બાળકો ભવિષ્યમાં નિડર થઈને સવાલ પૂછશે, ભલે સમાજ તેમનો વિરોધ કરે.’
આ કાર્યક્રમ પ્રખ્યાત તર્કવાદી લેખક પવનનની યાદમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં લેખક વૈશાખનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જસ્ટિસ અરુણે બંનેને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે, તેમણે જાતિગત અટક છોડી દીધી અને તર્ક તેમજ ધર્મનિરપેક્ષતાને પોતાના જીવનમાં અપનાવવા માટે ઉપનામ અપનાવ્યા.
અંગત અનુભવ શેર કર્યા
જસ્ટિસ અરુણે તેમના પિતા ટીકેજી નાયરનો પણ ઉલ્લેખ કર્યો, જે એક લેખક, રાજકારણી અને સામાજિક કાર્યકર્તા હતા. તેમણે કહ્યું કે તેમના પિતા પવનનથી પ્રભાવિત થઈને “અનિલન” નામથી લખતા હતા.
સોશિયલ મીડિયાની ભાષા પર ચિંતા વ્યક્ત કરી
જસ્ટિસ અરુણે સોશિયલ મીડિયા પર વધતી જતી અપમાનજનક ભાષા પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ‘સોશિયલ મીડિયા યોદ્ધાઓ ગીધની જેમ કૂદી પડે છે. ઘણી વખત મને એવા કેસ વાંચવા પડે છે જે સોશિયલ મીડિયા પોસ્ટને કારણે દાખલ થયા છે. આ પોસ્ટ્સ મલયાલમ ભાષાને પ્રદૂષિત કરે છે. મને ઘણી વાર વિચાર આવ્યો છે કે મલયાલમ લોકો આટલી નીચે કેવી રીતે જઈ શકે? તેનું કારણ એ છે કે હવે આપણી વચ્ચે પવનન અને વૈશાખન જેવા તર્કવાદીઓ નથી.”
ધર્મનિરપેક્ષતા પર કોર્ટના ચુકાદા
જસ્ટિસ અરુણના વિચારો ફક્ત ભાષણો પૂરતા મર્યાદિત નથી. વર્ષ 2022માં, તેમણે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો જેમાં તેમણે સરકારી દસ્તાવેજોમાં પોતાને ‘ધર્મનિરપેક્ષ’ અથવા ‘બિન-ધાર્મિક’ તરીકે ઓળખાવવાના લોકોના અધિકારને માન્યતા આપી. આ નિર્ણય 12મા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી કોલેજમાં પ્રવેશ માટે બિન-ધાર્મિક શ્રેણીમાં સમુદાય પ્રમાણપત્ર માંગનારા વિદ્યાર્થીઓની અરજી પર આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ મુકેશ અંબાણીનો આ શેર ₹38 પર ટ્રેડ થઈ રહ્યો છે, હવે 14 જુલાઈએ કરશે મહત્વપૂર્ણ જાહેરાત
આ પણ વાંચોઃ શું સવારે ખાલી પેટ ચા પીવાથી એસિડિટી વધે છે? જાણો નિષ્ણાતનો અભિપ્રાય












