અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

સસ્તા ભાવની જાહેરાતથી હોબાળો: ચાંદી ખરીદવા અમદાવાદના જ્વેલર્સની દુકાને લોકોનાં ટોળેટોળાં ઉમટ્યાં, પોલીસ બોલાવવી પડી

અમદાવાદ, તા. 15 ઓક્ટોબર, 2025: અમદાવાદમાં ફરી એકવાર દુકાનદારે કરેલી લાલચ આપતી જાહેરાતને કારણે અફરાતફરી મચી ગઈ છે. થોડા સમય પહેલાં ‘ફ્રી પિઝા’ની જાહેરાતને કારણે જેમ ભીડ ભેગી થઈ હતી, તેવી જ ઘટના જ્વેલર્સને ત્યાં બની છે. સોના-ચાંદીના ભાવ ખૂબ વધી રહ્યા છે તેવા સમયે, એક જ્વેલર્સ દ્વારા કરાયેલી જાહેરાત બાદ ખરીદી માટે લોકોની મોટી ભીડ જામી ગઈ હતી, જેના કારણે પોલીસને બોલાવવી પડી હતી.

અમદાવાદના એક જ્વેલર્સને ચાંદી કિલો દીઠ ₹૧.૬૩ લાખ (વત્તા GST) ના ભાવે આપવાની જાહેરાત કરવી ભારે પડી ગઈ. સામાન્ય રીતે ચાંદીનો ભાવ અત્યારે લગભગ ₹૨ લાખની નજીક પહોંચી ગયો છે, ત્યારે આ સસ્તા ભાવની જાહેરાત સાંભળીને ગ્રાહકો શો-રૂમ પર ઉમટી પડ્યા હતા.

જોકે, જ્યારે ગ્રાહકોને ચાંદી ન મળી, ત્યારે તેમણે જોરદાર હંગામો કર્યો હતો. મામલો એટલો ઉગ્ર બની ગયો કે આખરે પોલીસને બોલાવવી પડી. પોલીસે આવીને ગુસ્સે થયેલા ગ્રાહકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

અત્યારે તહેવારો અને લગ્નની સીઝન નજીક છે, પરંતુ સોનાના ભાવ ₹૧.૩૦ લાખ અને ચાંદીના ભાવ ₹૨ લાખની નજીક પહોંચતા સામાન્ય લોકો માટે દાગીના ખરીદવા સપના સમાન બની ગયા છે. આ ભાવવધારાને કારણે જ્વેલર્સને ત્યાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે.

મોટા ભાગના લોકો ભાવ વધારાના કારણે પોતાનો ખરીદીનો પ્લાન બદલીને અડધી જ ખરીદી કરીને તહેવાર કે વ્યવહાર સાચવી રહ્યા છે. હાલમાં જે ખરીદી થઈ રહી છે તેમાં પણ લગભગ ૬૦% લોકો માત્ર રોકાણ (Investment) કરવાના હેતુથી જ સોના-ચાંદીની ખરીદી કરી રહ્યા છે.

Back to top button