ચાંદીપુરા વાયરસથી મહેસાણા જિલ્લામાં પ્રથમ મોત, વડનગર સિવિલમાં સારવાર દરમ્યાન બાળકીએ જીવ ગુમાવ્યો

Chandipura Viurs News: ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં આમ પણ ફફડાટ છે, ત્યારે હવે આ વાયરસના કારણે ગુજરાતમાં મોત થયાની પ્રથમ ઘટના પણ સામે આવી છે. બહુચરાજીના દેલવાડાની બાળકીએ વડનગર સિવિલમાં સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો છે.
મહેસાણા તાલુકાના દેલવાડા (ખાંટ) ગામમાં ચાંદીપુરા વાયરસના કારણે એક બાળકીએ અંતિમ શ્વાસ લીધા છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગામમાં વ્યાપક સર્વેલન્સ અને જંતુનાશક કામગીરી શરૂ કરી દીધી છે.
26 જુલાઈએ તાવ અને ઉલટીથી દાખલ કરાઈ હતી
મળતી માહિતી મુજબ દેલવાડા ગામની દ્વારિકા જીગરગીરી ગોસાઈ નામની બાળકીને રવિવારે (26 જુલાઈ) અચાનક તીવ્ર તાવ અને ઉલટીની ફરિયાદ શરૂ થતાં પરિવારે તેને તાત્કાલિક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. બાળકીના લક્ષણો શંકાસ્પદ જણાતાં આરોગ્ય વિભાગે તેના બ્લડ સેમ્પલ ચકાસણી અર્થે ગાંધીનગર લેબમાં મોકલ્યા હતા.
સોમવારે આવેલા લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં જ બાળકીને વધુ સઘન સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં મોડી રાત્રે સારવાર દરમિયાન બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.
250થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ
આ ઘટના બાદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કૌશિક ગજ્જરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો ત્વરિત એક્શન મોડમાં આવી ગઈ હતી. તંત્ર દ્વારા બાળકીના ઘર સહિત સમગ્ર દેલવાડા ગામના 250થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાયરસના ફેલાવાને અટકાવવા માટે ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ, દીવાલો પર ઇન્સેક્ટિસાઈડ સોઇંગ અને સ્પ્રેઇંગ સહિતની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે.
સરપંચની અપીલ
ગામના સરપંચ ગોવિંદસિંહ સોલંકીએ તમામ ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે જો કોઈ પણ બાળકમાં અચાનક તાવ, ઉલટી, ચક્કર આવવા કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો સહેજ પણ બેદરકારી રાખ્યા વગર તુરંત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, જેથી સમયસર તબીબી સારવાર પૂરી પાડી શકાય.












