યૌન શોષણ મામલે ચૈતન્યાનંદને 17 દિવસની ન્યાયિક કસ્ટડી, દવા અને લસણ-ડુંગળી વિનાના ભોજનની માંગ

નવી દિલ્હી: 3 ઓક્ટોબર, 2025: Swami Chaitanyanand Case: સ્વામી ચૈતન્યાનંદ કેસમાં શનિવારે થયેલી સુનાવણીમાં દિલ્હી પોલીસે તેની વધુ પોલીસ કસ્ટડીની માંગ નહોતી કરી. પોલીસે કોર્ટમાં અરજી કરી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની વિનંતી કરી છે. કોર્ટે આ અંગે પોતાનો આદેશ સુરક્ષિત રાખીને સ્વામી ચૈતન્યાનંદને 17 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.
કલમ 232 ઉમેરાઈ: ફરિયાદીની બીજી ફરિયાદ
સુનાવણી દરમિયાન બાબાના વકીલે સવાલ કર્યો કે કઈ કલમોના આધારે ન્યાયિક કસ્ટડીની માંગ કરવામાં આવી રહી છે. તેના પર કોર્ટે તપાસ અધિકારીને પૂછ્યું કે શું કેસમાં કલમ 232 ઉમેરવામાં આવી છે, જે પહેલાં લાગુ કરાઈ નહોતી. તપાસ અધિકારીએ જવાબ આપ્યો કે તે જ ફરિયાદીની બીજી ફરિયાદ મળ્યા બાદ આ કલમ ઉમેરવામાં આવી છે.
વકીલની માંગ: સાત્વિક ભોજન અને ધાર્મિક વસ્ત્રોની પરવાનગી
બાબાના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે તેમને દવાઓની જરૂર પડશે. તે સંન્યાસી છે અને માત્ર સાત્વિક ભોજન કરે છે, તેથી તેમને લસણ-ડુંગળી વગરનું ભોજન આપવામાં આવે. આ ઉપરાંત, તેમને પોતાના ધાર્મિક વસ્ત્રો પહેરવા અને આધ્યાત્મિક વસ્તુઓ રાખવાની મંજૂરી મળે. તેમણે ષડયંત્રની આશંકા વ્યક્ત કરતાં કેસ ડાયરી પર સહી કરાવવાની પણ માંગ કરી.
કોર્ટે આ અંગે કહ્યું કે આ પ્રક્રિયાનો ભાગ હોવાથી પોલીસ તરફથી અલગ જવાબની જરૂર નથી.
તપાસમાં ચોંકાવનારા ખુલાસા
પોલીસનું કહેવું છે કે સ્વામી ચૈતન્યાનંદે પૂછપરછમાં કોઈ પસ્તાવો બતાવ્યો નથી અને વાતને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેથી વધુ કસ્ટડીની માંગ કરવામાં નથી આવી.
પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે બાબાએ નબળી આર્થિક પૃષ્ઠભૂમિની વિદ્યાર્થિનીઓને નોકરીના ખોટા વચનો આપીને ફસાવી અને તેમની પર યૌન સંબંધો બાંધવા માટે દબાણ કર્યું. તેમના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મળેલી ચેટ્સમાં અભદ્ર મેસેજ, મહિલાઓ પાસેથી અંગત તસવીરો માંગવા જેવી બાબતો મળી છે. એક ચેટમાં તો દુબઈના એક શેખ માટે છોકરીની વ્યવસ્થા કરવા અંગેની ચર્ચા પણ મળી છે.
આ કેસમાં સંસ્થાના ત્રણ મહિલા સ્ટાફની પણ ધરપકડ કરવામાં આવી છે, જેના પર વિદ્યાર્થિનીઓ પર દબાણ લાવવામાં સહયોગ કરવાનો આરોપ છે.
અગાઉ અનેક વિદ્યાર્થિનીઓએ એવો આરોપ લગાવ્યો હતો કે તેમની પાસેથી બળજબરીથી ફોન અને સર્ટિફિકેટ લઈ લેવામાં આવ્યા હતા અને ડરનો માહોલ બનાવવામાં આવ્યો હતો. વિરોધ કરનારને સંસ્થામાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Record: અમદાવાદ ટેસ્ટમાં બાપુએ સદી ફટકારી ધોનીની કરી બરાબરી, જાણો વિગત
આ પણ વાંચોઃ PoKમાં ચાલી રહેલી હિંસા પર ભારતનું પહેલું નિવેદન, વિદેશ મંત્રાલયે કહ્યું…












