ગુજરાતટ્રેન્ડિંગબિઝનેસ

ગૃહિણીઓનું બગડતું બજેટ સચવાઈ ગયું, સિંગતેલના ભાવમાં ઘટાડો

Gujarat: ગૃહિણીઓ માટે ગુડ ન્યુઝ આવ્યા છે. મોંઘવારીના કારણે બગડતું માસિક બજેટ સહેજ હળવું થશે. સિંગતેલના ભાવમાં ઘટાડો થતા લોકોને થોડી રાહત થઈ છે. માર્ચ મહિનામાં 15 કિલો સિંગતેલ ડબ્બાનો ભાવ 2900 રૂપિયાથી વધુ હતો, પરંતુ હવે તેના ભાવ ત્રણ મહિનામાં ઘટીને આશરે 2710 રૂપિયા સુધી આવી ગયા છે. બજાર વિશ્લેષકોના મુજબ આવનારા દિવસોમાં પણ ભાવમાં વધુ ઘટાડાની શક્યતા છે. ટુંકમાં ઉનાળુ મગફળીની આવક થતા સિંગતેલના ભાવ ઘટ્યા છે.

મગફળીની આવકની અસર

સિંગતેલના ભાવમાં નરમાશ પાછળનું કારણ મગફળીની વધતી આવક પણ છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. ઉનાળાની સિઝનમાં નવી મગફળી બજારમાં આવે છે. આ નવી આવકને કારણે તેલ મિલો પાસે કાચા માલની ઉપલબ્ધતા વધી જાય છે. જ્યારે મગફળીનું ઉત્પાદન બજારમાં વધે છે, ત્યારે સિંગતેલનું ઉત્પાદન પણ સરળ બને છે અને તેની સપ્લાય વધે છે. પરિણામે ભાવ પર ઘટાડાનું દબાણ આવી શકે છે. આ વર્ષે પણ મગફળીની આવક સારી રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉનાળામાં માંગમાં ઘટાડો

ઉનાળાની ઋતુમાં તેલના વપરાશમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને નાના શહેરો અને ગામડાઓમાં મોટા પ્રસંગો ઓછા થતા હોવાથી ખાદ્ય તેલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલ રસોડામાં મુખ્ય સ્થાન ધરાવે છે. તેની માંગ પણ આ સમયગાળા દરમિયાન થોડી ધીમી પડી છે. બજાર વિશ્લેષકોના મુજબ સામાન્ય રીતે ઉનાળામાં ઓછું તેલ વપરાય છે કેમકે ઉનાળામાં તાપમાન વધારે હોવાથી તળેલા ખોરાકનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. પરિણામે બજારમાં સિંગતેલનો સ્ટોક વધે છે.

સાઇડ તેલમાં પણ નરમાશ

રાજ્યમાં મુખ્યત્વે સિંગતેલનો વપરાશ વધુ થાય છે, પરંતુ સિંગતેલ મોંઘું હોવાથી બજારમાં તે ઓછું વેચાય છે. કપાસિયા, સૂર્યમુખી વગેરે જેવા તેલને સામાન્ય રીતે સાઇડ તેલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સિંગતેલના ભાવ વધી જાય છે ત્યારે લોકો વૈકલ્પિક રીતે સાઇડ તેલનો વપરાશ કરે છે. સિંગતેલ સિવાય સાઇડ તેલના ભાવમાં પણ નરમાશ જોવા મળી રહી છે. બજાર વિશ્લેષકો મુજબ જ્યારે મુખ્ય તેલની સાથે સાઇડ પ્રોડક્ટ્સના ભાવ પણ નીચે જાય છે ત્યારે તે સ્પષ્ટ સંકેત આપે છે કે બજારમાં માંગ કરતા પુરવઠો વધુ છે.

આ પણ વાંચોઃ તૂટી ગઈ ઉદ્ધવ ઠાકરેની સેના, શિંદેની શિવસેનાને 6 લોકસભા સાંસદોનો ટેકો

Back to top button