ડાયરામાં PI પર બુટલેગરે વરસાવી નોટો, વીડિયો વાયરલ થતાં મહેસાણા SPએ તાત્કાલિક સસ્પેન્ડ કર્યા

Mehsana News: મહેસાણા જિલ્લાના કટોસણ ગામમાં મંદિરના પાટોત્સવ નિમિતે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ પોલીસ મથકના PI પર બુટલેગર દ્વારા ચલણી નોટોનો વરસાદ કરાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા PI એમ.એમ. વરચંદને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કટોસણ ગામમાં 6 માર્ચે આવડ અને શક્તિ માતાજીના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો દ્વારા સાંથલ પોલીસ મથકના PI એમ.એમ. વરચંદને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેના પગલે તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ગામના સરપંચ અને અન્ય આગેવાનો દ્વારા મંચ પર તેમનું જાહેરમાં સન્માન પણ કરવામાં આવ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો
કાર્યક્રમ દરમિયાન PI મંચ પર હાજર હતા ત્યારે અજિતસિંહ અને અર્જુનસિંહ નામના બુટલેગરો દ્વારા તેમના પર ચલણી નોટો ઉડાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ વિભાગ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન મામલો ગંભીર જણાતા મહેસાણા SPએ PI એમ.એમ. વરચંદને બોલાવી 9 માર્ચે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. તેઓ આશરે સાડા ત્રણ મહિનાથી ત્યાં ફરજ બજાવી રહ્યા હતા.
આ અંગે મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ કટોસણ ગામમાં એક કાર્યક્રમ દરમિયાન સાંથલ પોલીસ મથકના PI હાજર હતા. ત્યારે મંચ પર કેટલાક લોકો દ્વારા તેમના પર ચલણી નોટો ઉડાવવામાં આવી હતી. વીડિયો વાયરલ થયા બાદ મામલો અમારી ધ્યાને આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ઈરાન સાથેના યુધ્ધમાં અમેરિકા બેકફૂટ પર? 10 દિવસમાં જ સમાધાનનો રસ્તો શોધી રહ્યા છે ટ્રમ્પ












