સાણંદમાં લગ્ન પ્રસંગમાં લોહિયાળ ખેલ, કેટરિંગ સ્ટાફનો ફાર્મ સંચાલક પર છરી અને પાઈપ વડે જીવલેણ હુમલો

સાણંદ 23 ફેબ્રુઆરી 2026: અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં આવેલા જાણીતા ‘કે.ડી. ફાર્મ’ પાર્ટી પ્લોટમાં રવિવારે બપોરે એક ભયાનક હિંસાની ઘટના ઘટી હતી. લગ્ન પ્રસંગના ડેકોરેશન માટે જગ્યા ખાલી કરવા જેવી સામાન્ય બાબત પર શરૂ થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કેટરિંગ સ્ટાફના ટોળાએ ઉશ્કેરાઈ જઈને ફાર્મ સંચાલક અને તેમના સાથીદારો પર છરી અને લોખંડના પાઈપ જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે ૧૧ શખસો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સફાઈ અને જગ્યા ખાલી કરાવવા મુદ્દે શરૂ થયો વિવાદ
ઘટનાની વિગતો મુજબ, ૨૨ ફેબ્રુઆરીના રોજ સાણંદમાં રહેતા નિખિલભાઈ ભરતભાઈ પટેલના ‘કે.ડી. ફાર્મ’માં લગ્ન પ્રસંગનું આયોજન હતું. ડેકોરેશનની કામગીરી નિખિલભાઈની ટીમ સંભાળી રહી હતી, જ્યારે કેટરિંગનો કોન્ટ્રાક્ટ અમદાવાદના ‘કિશન કેટરર્સ’ને આપવામાં આવ્યો હતો. બપોરે ૩:૧૫ વાગ્યાના અરસામાં કેટરિંગના વેઈટર્સ અને અન્ય સ્ટાફ વરરાજાના રૂમ અને ગાર્ડન એરિયામાં આરામ કરી રહ્યા હતા. ડેકોરેશન અને સફાઈ કરવાની હોવાથી નિખિલભાઈએ તેમને અન્ય જગ્યાએ બેસવા વિનંતી કરી હતી. આ બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી.
આયોજનબદ્ધ રીતે જીવલેણ હુમલો
શાબ્દિક ટપાટપી બાદ મામલો શાંત થવાને બદલે વધુ બિચક્યો હતો. થોડી જ વારમાં કેટરિંગના ૮ થી ૧૦ શખસોનું ટોળું હથિયારો સાથે આવ્યું અને “અમારા માણસોને કેમ ખલેલ પહોંચાડી?” તેમ કહી હુમલો શરૂ કર્યો હતો.
-
માજિદ નાઝીમ ખાન નામના શખસે છરી વડે નિખિલભાઈના ગળા અને ખભાના ભાગે ઘા ઝીંકી દીધા હતા.
-
સાહિલ બશીર ઋષિએ કરણભાઈ પટેલના માથાના પાછળના ભાગે લોખંડનો ભારે પાઈપ ફટકાર્યો હતો.
-
મોહમ્મદ સલીમ નામના શખસે શૈલેષભાઈ દેવરા પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સ્થળ પર આતંક મચાવ્યો હતો.
ઈજાગ્રસ્તોની હાલત અને પોલીસ કાર્યવાહી
આ હિંસક અથડામણમાં ત્રણેય વ્યક્તિઓ લોહીલુહાણ થઈ જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નિખિલભાઈને ગળા અને ખભા પર ૩-૩ ટાંકા, કરણભાઈને માથામાં ૯ ટાંકા અને શૈલેષભાઈને માથામાં ૬ ટાંકા લેવા પડ્યા હતા. સદનસીબે ગળાના ભાગે થયેલો ઘા જીવલેણ સાબિત થયો નહોતો.
સાણંદ પોલીસે આ મામલે ૧૧ શખસો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ (Section 307), ગંભીર ઈજા પહોંચાડવી અને ગેરકાયદે મંડળી રચવા બદલ ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા તમામ શખસો મૂળ જમ્મુ-કાશ્મીરના વતની છે અને અમદાવાદમાં કેટરિંગ સ્ટાફ તરીકે કામ કરે છે. હાલમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ કરી રહી છે.











