બિકાનેર: અચાનક ગટરમાં વહેવા લાગી 500-500ની નોટો, લૂંટવા માટે લોકોની હોડ મચી

રાજસ્થાનના બિકાનેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સીવરેજ ચેમ્બરમાંથી (ગટર ચેમ્બર) અચાનક 500-500ની નોટો વહેવા લાગી. આ જોઈને લોકોમાં લુટની હોડ મચી ગઈ. થોડીવારમાં જ સીવરેજ ચેમ્બર પાસે મોટી ભીડ એકઠી થઈ ગઈ અને લોકો 500 ની નોટો લૂંટવા લાગ્યા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં લોકો ગટરમાંથી નોટો કાઢ્યા પછી તેને સૂકવતા દેખાઈ રહ્યા છે અને તપાસી રહ્યા છે કે તે અસલી છે કે નકલી?
વાસ્તવમાં, બીકાનેરમાં લોકોને સીવરેજ ચેમ્બરમાં 500 રૂપિયાની નોટો મળી. આ ઘટનાથી હેરાન થયેલા અનેક લોકોએ નોટોને સાફ કરીને સૂકવવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ નોટોને સ્વચ્છ પાણીથી ધોઈ તપાસવાનો પ્રયત્ન કર્યો કે તે નકલી તો નથી.
આ દરમિયાન, સીવરેજ ચેમ્બરમાંથી નોટો ઉઠાવવા માટે લોકોની મોટી ભીડ ભેગી થઇ ગઈ. ત્યારબાદ પોલીસને આ વાતની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ભીડને વિખેરવા લાગ્યા. પોલીસનો ભીડને ભગાડતો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક પોલીસકર્મી લાઠી લઈને લોકોને ભાગાડતો દેખાઈ રહ્યો છે.
પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે
પોલીસે બાદમાં નોટો જપ્ત કરી લીધી હતી. હવે તેઓ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે નોટો અસલી છે કે નકલી. વધુમાં, તેઓ તપાસ કરી રહ્યા છે કે આ નોટો સીવરેજ ચેમ્બરમાં કેવી રીતે આવી. શું કોઈએ કાનૂની કાર્યવાહીથી બચવા માટે આ નોટો ગટરમાં ફેંકી દીધી હતી?
આ પણ વાંચો: ગુજરાતની દીકરીની મોટી સિદ્ધિ; આણંદની એકતા શાહે 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યાં, NASAમાં સ્થાન મેળવ્યું












