અમદાવાદમાં આગામી 27 જૂને અષાઢી બીજે યોજાનારી રથયાત્રાને લઇને મોટા સમાચાર

- પ્લેન દુર્ઘટના બાદ અટકળો શરૂ થઇ હતી કે પરંપરાગત રીતે રથયાત્રા યોજવામાં નહી આવે
- જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, પ્લેન ક્રેશ દુર્ઘટના બાદની અટકળોનો અંત
- જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું હતું કે જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત નીકળશે
અમદાવાદમાં આગામી 27 જૂને અષાઢી બીજે યોજાનારી રથયાત્રાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેન દુર્ઘટના બાદ અટકળો શરૂ થઇ હતી કે પરંપરાગત રીતે રથયાત્રા યોજવામાં નહી આવે. પરંતુ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું હતું કે જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત નીકળશે. જેના લીધે શરૂ થયેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી લાંબો રૂટ ધરાવતી યાત્રા છે. જેમાં લાખોની સંખ્યામાં નગરચર્યાએ આવતાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટે છે.
આગામી 148મી રથયાત્રા પરંપરાગત રીતે પોતાના રૂટ પરથી જ નીકળશે
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે આગામી 148મી રથયાત્રા પરંપરાગત રીતે પોતાના રૂટ પરથી જ નીકળશે. હાલ ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટ ચાલી રહ્યો છે. જે અંગે સરકાર સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 278 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે એવા અહેવાલ હતા. જ્યારે જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા અને મંદિરના મહંત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ‘દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે તે પ્રમાણે તૈયારી કરવામાં આવી છે.’
સવારના નિજ મંદિરેથી રથયાત્રાની શરુઆત થશે
સવારના નિજ મંદિરેથી રથયાત્રાની શરુઆત થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડો સમય વિરામ લીધા પછી રથયાત્રીઓ જય જગન્નાથજીના ગગનભેદી નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા NDRF સજ્જ, વિવિધ શહેરોમાં ટીમ તૈનાત કરાઇ












