T20 વર્લ્ડ કપ: બાંગ્લાદેશનો ભારત આવવાનો સાફ ઇનકાર; ICC સાથે ટકરાવ વધ્યો

નવી દિલ્હીઃ 22 જાન્યુઆરી, 2026: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ભારતમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ અંગે પોતાના વલણમાં કોઈ ફેરફાર કર્યો નથી. ખેલાડીઓ અને વચગાળાની સરકારના રમતગમત સલાહકાર આસિફ નઝરુલ વચ્ચેની મહત્વની બેઠક બાદ આ આખરી નિર્ણય લેવામાં આવ્યો છે.
“ICCએ ન્યાય નથી કર્યો”
આસિફ નઝરુલે આક્ષેપ કર્યો છે કે, ICC બાંગ્લાદેશ સાથે અન્યાય કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, “ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. અમે ઇચ્છીએ છીએ કે અમારા મેચ શ્રીલંકામાં યોજાય, પરંતુ ICCએ અમારી આ માંગ ફગાવી દીધી છે.”
ICCએ ફગાવી હતી માંગ
ગઈકાલે 21 જાન્યુઆરીએ ICC બોર્ડની વીડિયો કોન્ફરન્સમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તમામ મેચો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ભારતમાં જ રમાશે. ICCના રિપોર્ટ મુજબ ભારતમાં બાંગ્લાદેશી ખેલાડીઓ કે ફેન્સને કોઈ ખતરો નથી. છતાં બાંગ્લાદેશે 24 કલાકના અલ્ટીમેટમની પણ પરવા કરી નથી.
શું થઈ શકે છે કાર્યવાહી?
ICCના નિયમો મુજબ, જો કોઈ ટીમ માન્ય કારણ વગર ટૂર્નામેન્ટમાંથી ખસી જાય, તો તેને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. તેમના રેવન્યુ શેરિંગમાં કાપ આવી શકે છે અને ભવિષ્યની ટૂર્નામેન્ટ્સ માટે ક્વોલિફિકેશન પણ મુશ્કેલ બની શકે છે.
વિવાદનું મૂળ:
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી હટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશે IPLના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો અને હવે વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની સ્થિતિ ઊભી થઈ છે.












