બહેરાઈચમાં મગરનો આતંક, બાળકને જીવતો ખેંચી ગયો, 5 કલાક પછી મળ્યો અર્ધખાધેલો મૃતદેહ

National news: ઉત્તર પ્રદેશના બહેરાઈચ જિલ્લામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 12 વર્ષનો એક બાળક ધાનની રોપણીનું કામ પૂર્ણ કર્યા બાદ નદીમાં હાથ-પગ ધોવા ગયો હતો, ત્યારે અચાનક એક મગરે તેના પર હુમલો કરી તેને પાણીમાં ખેંચી લીધો હતો. સ્થાનિક લોકો અને બાળકના કાકાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મગરની પકડમાંથી બાળકને છોડાવી શકાયો નહીં.
માહિતી મુજબ બાળક પોતાના કાકા સાથે ખેતરમાં કામ કરવા ગયો હતો. પરત ફરતી વખતે બંને ઘાઘરા (સરયૂ) નદી કિનારે હાથ-પગ ધોઈ રહ્યા હતા ત્યારે મગરે હુમલો કર્યો. ગામલોકોએ ઈંટો અને લાકડાં ફેંકીને બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મગર બાળકને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.
ઘટના બાદ ગામલોકો અને વન વિભાગે લગભગ પાંચ કલાક સુધી શોધખોળ હાથ ધરી હતી. આખરે ઘટનાસ્થળથી થોડે દૂર બાળકનો અર્ધખાધેલો મૃતદેહ મળી આવ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે મૃતકના પરિવારને સરકારની જોગવાઈ મુજબ આર્થિક સહાય આપવામાં આવશે. આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
મગરોની હાજરીથી ગામલોકોમાં ડર ફેલાયો
રેન્જર મોહમ્મદ શાકિબે જણાવ્યું કે ઘટનાની સૂચના મળચા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને શોધ અભિયાન ચલાવ્યું હતું. પ્રશાસને જરૂરી તમામ કામગીરી શરૂ કરી દીધે છે, પરંતુ ગ્રામીણોમાં ભય ફેલાયો છે. નદી કિનારે મગરોની વધતી હાજરીને જોતા સુરક્ષાનો સખત બંદોબસ્ત કરવા અને લોકોને સુરક્ષિત સ્થળો પર ખેતી કરવાની વ્યવસ્થા કરવાની ગ્રામીણોએ માંગ કરી છે.












