ગુજરાતટ્રેન્ડિંગ

ચાલતી ટ્રેનમાં ગુંજી કિલકારી, જબલપુર–સોમનાથ એક્સપ્રેસમાં મહિલાએ બાળકને આપ્યો જન્મ

Woman Gives Birth on Train: ક્યારેક જીવનના સૌથી સુંદર પળો એવી જગ્યાએ સર્જાય છે, જ્યાં તેની કોઈ કલ્પના પણ ન કરી હોય. એવો જ એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક પ્રસંગ જબલપુર-સોમનાથ એક્સપ્રેસમાં બન્યો, જ્યારે ચાલતી ટ્રેનમાં એક ગર્ભવતી મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. રેલવે કર્મચારીઓની તત્પરતા, મહિલા સહમુસાફરોના સહયોગ અને તંત્રના ઉત્તમ સંકલનના કારણે માતા અને નવજાત બંને સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ટ્રેનમાં મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થઈ

અમદાવાદથી વેરાવળ તરફ જતી ટ્રેન નંબર 11466 જબલપુર–સોમનાથ એક્સપ્રેસના S2 કોચમાં મુસાફરી કરી રહેલી મહિલાને ટ્રેન રવાના થયાના થોડા સમય બાદ અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ. પરિસ્થિતિની ગંભીરતાને જોતા મહિલાના પતિ અને અન્ય મુસાફરોએ તરત જ ફરજ પરના TTE રામજીવન કુમારને જાણ કરી હતી. આ પછી કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર જ અને મહિલાની પીડાની ગંભીરતાને સમજીને રામજીવન કુમારે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Baby Born on Moving Jabalpur–Somnath Express

મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો

રામજીવન કુમારે રેલવે નિયંત્રણ કચેરીને જાણ કરી અને તરત જ બેડશીટ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. અદિતિ પાઠક જોશીપુરાએ માનવતા અને ફરજનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજી ડૉ. અદિતિએ કોઈપણ અદ્યતન તબીબી સાધનો કે હોસ્પિટલની સુવિધાઓ વગર જ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. પોતાની કુશળતા, અનુભવ અને સમયસૂચકતાના આધારે તેમણે ટ્રેનની અંદર જ મહિલાની સફળ અને સુરક્ષિત ડિલિવરી કરાવી હતી. ડૉક્ટરની આ સતર્કતા અને સમર્પણના કારણે માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. સ્વસ્થ બાળકને જન્મ આપ્યો અને સમગ્ર કોચમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.

રેલવે પ્રશાસને જરુરી વ્યવસ્થા કરી દીધી

ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રશાસને વિરમગામ સ્ટેશન પર તબીબી ટીમ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધી હતી. ટ્રેન વિરમગામ પહોંચતાં જ માતા અને નવજાતને સુરક્ષિત રીતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ બંનેની સ્થિતિ સ્વસ્થ અને સામાન્ય હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન TTE રામજીવન કુમારે માત્ર પોતાની ફરજ જ નિભાવી નહીં, પરંતુ એક સંવેદનશીલ માનવી તરીકે પરિવારને જરૂરી સહાય, માર્ગદર્શન અને ચા-પાણીની વ્યવસ્થા કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની કામગીરીને મુસાફરો અને રેલવે અધિકારીઓ દ્વારા વ્યાપક પ્રશંસા મળી છે.

ભાવનગર મંડળના અધિકારીઓએ પણ આ ઘટનાને રેલવેની મુસાફર-કેન્દ્રિત સેવા અને માનવીય મૂલ્યોનું જીવંત ઉદાહરણ ગણાવ્યું હતું. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ સંબંધિત કર્મચારીઓ તેમજ મદદરૂપ બનેલી મહિલા મુસાફરોના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું કે, ‘રેલવે માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં મુસાફરોની સાથે ઉભી રહેતી એક સંવેદનશીલ સંસ્થા પણ છે.’

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે માનવતા, સહયોગ અને તત્પર સેવા કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિને સુ:ખદ અનુભવે બદલી શકે છે. ચાલતી ટ્રેનમાં ગુંજેલી આ નાનકડી કિલકારીએ માત્ર એક પરિવારને જ નહીં, પરંતુ માનવતામાં વિશ્વાસ રાખતા હજારો લોકોને પણ ખુશીની અનોખી ભેટ આપી છે.

આ પણ વાંચો :
ચોરવાડની સિંહણનો હોંગકોંગમાં તરખાટ: મર્યાદિત સાધનો વચ્ચે પણ એવું દોડી કે બની ગયો નવો રેકોર્ડ!
Back to top button