ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સાયલામાં લોહિયાળ હુમલો: વેલનાથ આશ્રમના મહંત ગૌસ્વામી બળદેવગિરી પર તલવારથી જીવલેણ હુમલો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં એક લોહિયાળ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેલનાથ આશ્રમના મહંત ગૌસ્વામી બળદેવગિરી પર અજાણ્યા કારણોસર તલવાર વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં મહંતને શરીરના અનેક ભાગે ઊંડા જખમો પહોંચ્યા છે અને તેમની હાલત નાજુક છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ઘટના સામતપર બોર્ડ પાસે આવેલા વેલનાથ આશ્રમ પાસે બપોરે બની હતી. મહંત બળદેવગિરી આશ્રમની આસપાસ હાજર હતા ત્યારે એક વ્યક્તિએ અચાનક તલવાર વડે આડેધડ હુમલો કરી દીધો. હુમલાખોર ડોળિયા ગામનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેણે હુમલો કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.

લોહીલુહાણ હાલતમાં અમદાવાદ રિફર ગંભીર રીતે ઘાયલ થયેલા મહંતને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સાયલાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેમની તબિયત વધુ વણસતા સુરેન્દ્રનગર અને ત્યારબાદ અમદાવાદની વધુ સારવારવાળી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તબીબો તેમની સારવારમાં જીવ-તોડ પ્રયાસ કરી રહ્યા છે.

સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓમાં આક્રોશ આ ઘટનાની જાણ થતાં જ વેલનાથ આશ્રમના સેવકો, શ્રદ્ધાળુઓ અને આસપાસના સાધુ-સંતોના ટોળેટોળા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. મહંત પર આવા ઘૃણાસ્પદ હુમલાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. હુમલાનું કારણ હજુ સુધી અસ્પષ્ટ છે.

પોલીસે શરૂ કરી તપાસ સાયલા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મામલે ગુનો નોંધી લીધો છે. હુમલાખોરને ઝડપી પાડવા માટે અલગ-अલગ ટીમો બનાવીને શોધખોળ ચાલુ છે. પોલીસે આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલર્ટ જાહેર કર્યું છે.

આ ઘટનાએ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં સનસની મચાવી દીધી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: જ્ઞાનવાપી, મથુરા અને સંભલ વિવાદને લઈ મોટા સમાચાર આવ્યા, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ

Back to top button