રાંચી: સેનાના જવાને ટ્રેનના ડબ્બામાં મહિલાનો રેપ કર્યો, ચીસો સાંભળી લોકો ભેગા થઈ ગયા

ઝારખંડની રાજધાની રાંચીમાં ડ્યુટી દરમિયાન 22 વર્ષીય એક મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં સેનાના એક જવાનની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે 5:30 વાગ્યે તાતીસિલ્વે રેલ્વે સ્ટેશન પર આ ઘટના બની હતી જ્યારે મહિલા રાંચી જતી ટ્રેનની રાહ જોઈ રહી હતી. તેમણે કહ્યું કે 42 વર્ષીય સૈનિક મહિલાને ખાલી ડબ્બામાં લઈ ગયો અને ત્યાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો.
જવાન ટ્રેનની સુરક્ષા માટે તૈનાત હતો
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સેનાનો આ જવાન સંરક્ષણ પુરવઠો વહન કરતી ટ્રેનની સુરક્ષા માટે તૈનાત હતો. ગુના સમયે તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું કહેવાય છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી જવાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના સારાહા પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે અને પંજાબના પટિયાલામાં 42 મીડિયમ રેજિમેન્ટમાં તૈનાત હતો. તેમણે કહ્યું કે મહિલાની ચીસો સાંભળીને, રેલ્વે સ્ટેશન પર લોકો એકઠા થઈ ગયા અને એલાર્મ વગાડ્યો, જેના કારણે રેલ્વે પોલીસ ઘટનાસ્થળે પહોંચી.
અધિકારીએ જણાવ્યું હતું કે સૈનિકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને પકડી લેવામાં આવ્યો હતો અને તેને કેટલીક ઇજાઓ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે મહિલાના નિવેદનના આધારે FIR નોંધવામાં આવી છે. આરોપીને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પતિ બનાવડાવતો હતો ઘર ખર્ચની એક્સેલ શીટ, પત્નીએ કરી FIR, મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, પછી શું થયું?












