આણંદમાં વરસાદે બોલાવી ધબધબાટી, પાણી પાણી થયું શહેર

આણંદ, તા. 7 ઓક્ટોબર, 2025: મધ્ય ગુજરાતના આણંદ શહેરમાં મેઘરાજાએ માત્ર અડધા કલાકના ટૂંકા ગાળામાં ધમાકેદાર બેટિંગ કરીને સમગ્ર શહેરને જળબંબાકાર કરી દીધું હતું. સત્તાવાર રીતે, આણંદમાં માત્ર 30 મિનિટમાં 42 મિમી (પોણા બે ઇંચ) જેટલો તોફાની વરસાદ નોંધાયો હતો, જેના કારણે શહેરના માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું.
અચાનક ખાબકેલા આ ભારે વરસાદના કારણે શહેરના અનેક મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને લોટીયા ભાગોળ, નયા વતન સોસાયટી, જૂની પાણીની ટાંકી વિસ્તાર અને ગામડી વડ પાસેના માર્ગો પર પાણીના ધસમસતા પ્રવાહ જોવા મળ્યા હતા.
શહેરના મુખ્ય માર્ગો પૈકીના 100 ફીટ રોડ, ઇન્દિરા સ્ટેચ્યુ સર્કલ, અને વિશાલ મેગા માર્ટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા. આ ભારે વરસાદે માત્ર અડધા કલાકમાં જ શહેરની ડ્રેનેજ સિસ્ટમની ક્ષમતા પર સવાલો ઉભા કર્યા છે. ભારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ હતી, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરવામાં સમય લાગતા લોકોને થોડી મુશ્કેલી વેઠવી પડી હતી.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સરેરાશ વરસાદ 117.88 ટકા થયો છે. કચ્છમાં 148.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.48 ટકા, પૂર્વ મધ્યમાં 116.92 ટકા, સૌરાષ્ટ્રમાં 108.40 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 122.82 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 155 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 128 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યમાં 7 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.
આ પણ વાંચોઃ મિશન ગુજરાત: ભાજપ યુવા શક્તિ પર ભરોસો મૂકશે, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનું કદ વધશે?












