કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

IFFCOની ચૂંટણીના વિવાદ વચ્ચે ભાજપના દિગ્ગજો એક મંચ પર, રૂપાલા પણ હાજર રહ્યાં

અમરેલીઃ 13 મે 2024, IFFCOની ચૂંટણીના વિવાદ વચ્ચે અમરેલી શહેરમા દિલીપ સંઘાણીના 71માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યાં હતા. દિલીપ સાંઘાણી સતત બીજી વખત IFFCOના ચેરમેન બન્યાં છે. તેમનો જન્મ દિવસ અને ઈફ્કોના ચેરમેન તરીકે વરણી આ બે પ્રસંગોને લઈ રાજનેતાઓ દ્વારા દિલીપ સંઘાણીની રાજકીય સફર અંગે જૂની યાદો તાજી કરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ આર.સી.ફળદુ, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, નારણ કાછડીયા, ડો.ભરત કાનાબાર સહિતના નેતાઓ એકમંચ ઉપર જોવા મળ્યા હતા અને મોડી રાત સુધી કાર્યક્રમ યોજાયો હતો.

રૂપાલા સાહેબ તો રાજકોટમાં વટથી આવે છેઃ આર.સી. ફળદુ
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાએ કાલે વટ પાડી દીધો ભાઈ. અહીંયા અમરેલીમાં આવું ત્યારે મજા આવે છે. હમણાં રૂપાલા સાહેબ કહેતા હતા અહિંથી ગિરની બધી નદીઓ આમ જાય છે આ ઊંઘી ચાલે છે. જાહેર જીવનનું ક્ષેત્ર એવું છે લપસણી ધરતી છે, ત્યાં પોતાની જાતને સાચવી રાખવી સંયમ ઉપર કાબુ રાખવો પડે છે. નહિતર ક્યાક લપસી જવાય છે. હું ફરીથી દિલીપભાઈ અને જયેશભાઇને અભિનંદન આપું છું. રૂપાલા સાહેબ તો રાજકોટમાં વટથી આવે છે. દિલીપભાઈનું જીવન એક યોદ્ધા છે, હું તો એને યોદ્ધા જ કહું છું.

સાંઘાણી સાહેબે દરેક જગ્યાએ મારો સાથ નિભાવ્યોઃ જયેશ રાદડિયા
જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, અમરેલીના આંગણે આવ્યો છું ત્યારે ચોકસ કહીશ મારે એ દિવસો યાદ કરવા છે. મારે સંઘાણી પરિવાર સાથે પારિવારિક સબંધ છે. સંઘાણી સાહેબ માટે હું ગૌરવ લઈશ, મુશ્કેલીની અંદર દરેક જગ્યા ઉપર આજે વિઠ્ઠલભાઈની છત્રછાયા નથી પણ આજે બાપ તરીકેનો સબંધ નિભાવી જ્યાં જરૂર પડી છે ત્યાં મને સાથ અને સહકાર આપ્યો છે. જે ઘટનાઓ બની છે, ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબ મજબૂતાઈથી સાથે ઉભા રહી વટ ભેર IFFCOની અંદર પોહચાડવા ખૂબ મહેનત કરી છે ત્યારે હું તેમનું ઋણ ક્યારેય ભૂલી શકું નહિ. દિલીપભાઈ જેનો એક વખત હાથ પકડે તેનો ક્યારેય હાથ મુકતા નથી.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યાં
નીતિન પટેલે જણાવ્યું કે, હું પેલા આવ્યો રૂપાલા સાહેબને ત્યાં બધી વાતો કરી. ચૂંટણીનો સમય હતો થોડી રાજકીય વાતો કરી. મોટા મોટા યોગી, મોટા સાધુ બધા સાધના કરતા હોય. તેના તપમાં જો મિસ્ટેક થાયને તો યોગી છૂટી જાય અને તપ પણ છૂટી જાય, પણ રૂપાલાજીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે એમણે સહનશીલતા રાખી, મન ઉપર કાબુ રાખ્યો. આ બધા મોટા મોટા બાબાઓ કહે છે કે, મન ઉપર કાબુ રાખો. રૂપાલાજી એ ચૂંટણી ઉપર તેના ઉપર આક્ષેપો થયા. આંદોલન થયા, રેલીઓ નીકળી, બધું થયું. અમરેલીના પાણીને અભિનંદન આપું છું કે, તમે શાંત છો. રૂપાલા જીએ મન ઉપર કંટ્રોલ કાબુ રાખ્યો છે. તેના માટે અભિનંદન આપું છું.

આ પણ વાંચોઃભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ બળાપો ઠાલવ્યોઃ કહ્યું, પાર્ટીએ અમરેલીના કાર્યકર્તાઓનો દ્રોહ કર્યો

Back to top button