Ambalal Patel Forecast: રાજ્યમાં હજી ઠંડી જામી છે ત્યાં અંબાલાલ પટેલે ફરી કરી માવઠાની આગાહી
અમદાવાદ, તા. 21 નવેમ્બર, 2025: રાજ્યમાં હજી શિયાળો માંડ જામી રહ્યો છે ત્યાં જ અંબાલાલ પટેલે ફરી માવઠાની આગાહી કરી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે. વાવાઝોડાની અસરથી વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે અને પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની અસર વધુ રહેશે. સુરત, નવસારી, ભરુચ, અમરેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે.
તેમના મુજબ, બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે જે વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે, 25 નવેમ્બર થી 28 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે, 2 થી 8 ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવશે અને વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
અંબાલાલ પટેલ મુજબ, ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે, દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમચાદર ફેલાઈ જશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે. 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે. આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે.
રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો વધ્યો છે. પવનોની દિશા બદલાતા ઠંડીમાં વધારો થયો છે, બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે, સૌથી ઓછુ નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 15.1,ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન, ડીસામાં 13.3 ,વડોદરામાં 14 ડિગ્રી તાપમાન, ભુજમાં 14.5 ,કંડલામાં 12.6 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 12.6,ભાવનગરમાં 15.8 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 13.7,રાજકોટમાં 12.6 ડિગ્રી તાપમાન, મહુવામાં 13.9,કેશોદમાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.












