આલિયા ભટ્ટની ‘Alpha’નું ટ્રેલર થયું રિલીઝ, 2.33 મિનિટમાં એક્શન-થ્રિલરનો ધમાકો

Alpha Trailer Out: યશ રાજ ફિલ્મ્સ (YRF)ની બહુપ્રતિક્ષિત સ્પાય યુનિવર્સ ફિલ્મ ‘અલ્ફા’નું ધમાકેદાર ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. લાંબા સમયથી આ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા હતી અને હવે 2 મિનિટ 33 સેકન્ડના ટ્રેલરે ફિલ્મની સ્ટોરી, એક્શન, સસ્પેન્સ અને પાત્રોની ઝલક બતાવીને ફેન્સનો ઉત્સાહ વધુ વધારી દીધો છે.
ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શરવરી વાઘ પહેલીવાર જબરદસ્ત સ્પાય એજન્ટના અવતારમાં જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં બંને અભિનેત્રીઓ ખતરનાક એક્શન સીન કરતી જોવા મળે છે. જ્યારે બીજી તરફ બોબી દેઓલનો નેગેટિવ રોલ અને અંતમાં ઋતિક રોશનની ઝલક ફિલ્મને વધુ ખાસ બનાવી દે છે.
ટ્રેલરની શરૂઆતમાં દેખાયું આલિયાના પાત્રનું રહસ્ય
ટ્રેલરની શરૂઆત એક નાની બાળકીથી થાય છે. આ બાળકીનું નામ બોબી દેઓલના પાત્ર દ્વારા ‘સીતા’ રાખવામાં આવે છે. બોબી દેઓલનું પાત્ર કહે છે કે, “આની માતાનું નામ જાનકી હતું અને અમે તેને સીતા બનાવીશું.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ બાળકી આગળ જઈને આલિયા ભટ્ટનું પાત્ર બને છે. ત્યારબાદ આલિયાની એન્ટ્રી સાથે જ એક શક્તિશાળી વોઇસ ઓવર સંભળાય છે, જેમાં કહેવામાં આવે છે કે એક રાક્ષસ હતો, જેનો અહંકાર તેનું હથિયાર હતું. તે છેતરપિંડીથી રાજ કરતો હતો અને ખોટથી જીતતો હતો. એક દિવસ તે એક રાજકુમારીને પોતાના ઘરમાં લઈ ગયો, પરંતુ આ વખતે સીતા પોતે લંકા સળગાવવા આવી છે. આ ડાયલોગ ફિલ્મની સ્ટોરીમાં રામાયણના સંદર્ભની ઝલક આપે છે અને આલિયાના પાત્રને વધુ શક્તિશાળી રીતે રજૂ કરે છે.
આલિયા ભટ્ટનો અત્યાર સુધીનો સૌથી ધમાકેદાર એક્શન અવતાર
ટ્રેલરમાં આલિયા ભટ્ટનો એકદમ અલગ અંદાજ જોવા મળે છે. તે દુશ્મનો સાથે લડતી, ગોળીબાર કરતી અને વિસ્ફોટ કરતી નજરે પડે છે. સ્પાય એજન્ટ તરીકે તેનું પાત્ર ખૂબ જ દમદાર બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં શરવરી વાઘ પણ મહત્વની ભૂમિકામાં છે. તે પણ આલિયા સાથે મળીને દુશ્મનો સામે લડતી જોવા મળે છે. ટ્રેલરમાં બંને વચ્ચે કેટલાક ફાઇટ સીન પણ જોવા મળે છે, જે દર્શકોનું ધ્યાન ખેંચે છે.
બોબી દેઓલનું ખતરનાક પાત્ર
ફિલ્મમાં બોબી દેઓલ એક રહસ્યમય અને ખતરનાક વિલનના રૂપમાં જોવા મળશે. ટ્રેલરથી સ્પષ્ટ થાય છે કે બોબી દેઓલનું પાત્ર ફતેહ ‘અલ્ફા પ્રોગ્રામ’ મિશનને લઈને ખૂબ જ જુનૂની છે. તે આલિયાના પાત્રને બાળપણમાં કિડનેપ કરે છે અને તેને એક ખતરનાક એજન્ટ તરીકે તૈયાર કરે છે. જે પણ તેના રસ્તામાં આવે છે તેને તે ખતમ કરી દે છે. શરૂઆતમાં દર્શકોને લાગતું હતું કે બોબી દેઓલ કદાચ આલિયાના પાત્રના પિતા હશે, પરંતુ ટ્રેલરમાં તેની ભૂમિકા વધુ સ્પષ્ટ કરવામાં આવી છે.
અનિલ કપૂર બન્યા RAW ચીફ
ફિલ્મમાં અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. તેઓ RAW ચીફના પાત્રમાં જોવા મળશે. ટ્રેલરમાં તેઓ સીતા એટલે કે આલિયાને ફતેહ સામેની યોજના વિશે સમજાવતા જોવા મળે છે અને જણાવે છે કે ફતેહથી કેમ સાવધાન રહેવું જરૂરી છે.
ઋતિક રોશનની એન્ટ્રી સૌથી મોટું સરપ્રાઈઝ
ટ્રેલરની સૌથી મોટી ખાસિયત છે ઋતિક રોશનની ઝલક. અંતમાં માત્ર તેમની આંખોની એક ઝલક બતાવવામાં આવે છે, પરંતુ એટલાથી જ દર્શકોમાં ઉત્સાહ વધી ગયો છે. ઋતિક રોશન સ્પાય યુનિવર્સના લોકપ્રિય એજન્ટ કબીર લૂથરાના પાત્રમાં જોવા મળશે. તેમની એન્ટ્રી ફિલ્મને વધુ મોટા લેવલ પર લઈ જાય તેવી આશા છે.
‘અલ્ફા’ ક્યારે થશે રિલીઝ?
શિવ રવૈલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘અલ્ફા’ યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સનો એક મહત્વનો ભાગ છે. આ ફિલ્મમાં એક્શન, થ્રિલર, સસ્પેન્સ અને ઈમોશનનો ભરપૂર મસાલો જોવા મળશે. આલિયા ભટ્ટ, શરવરી વાઘ, બોબી દેઓલ, અનિલ કપૂર અને ઋતિક રોશન સ્ટારર ‘અલ્ફા’ 3 જુલાઈ 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન, આજે આ જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રીની શક્યતા












