ટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર: પિંપરી-ચિંચવડમાં NCPનું ગઠબંધન, અજિત પવાર–શરદ પવાર એકસાથે, બેઠકોની વહેંચણી પર ચર્ચા ચાલુ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP વડા અજિત પવારે રવિવારે પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે શરદ પવારની આગેવાની હેઠળની NCP સાથે જોડાણની જાહેરાત કરી. રાજ્યમાં 15 જાન્યુઆરીએ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી પહેલા એક ચૂંટણી રેલી દરમિયાન આ જાહેરાત કરવામાં આવી.

અજિત પવારે કહ્યું છે કે આ ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ્ય મહારાષ્ટ્રનો વિકાસ અને અલગ થયેલા પરિવારને ફરીથી જોડવાનો છે.

બંને જૂથો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા ચાલી રહી છે. આ ચૂંટણી જોડાણનો હેતુ પિંપરી-ચિંચવડ પ્રદેશમાં સ્થાનિક રાજકારણને નવી દિશા આપવાનો પણ છે.

પરિવારની વાપસી અને વિકાસનું લક્ષ્ય

અજિત પવારે એક ચૂંટણી રેલીમાં જણાવ્યું હતું કે ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપતી વખતે, બંને જૂથોએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. તેમણે તેને “પરિવારિક પુનઃમિલન” ગણાવ્યું હતું. અજિતના મતે, લોકોના મનમાં ગઠબંધન વિશે ઘણા પ્રશ્નો હતા, જેના જવાબ હવે મળી ગયા છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના વિકાસના હિતમાં ક્યારેક આવા કઠિન અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડે છે. બેઠકોની વહેંચણીની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને ખૂબ જ ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.

પુણેમાં ગઠબંધનના પ્રયાસો નિષ્ફળ ગયા

પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ગઠબંધનની વાટાઘાટો અગાઉ નિષ્ફળ ગઈ હતી. વિવાદનું મુખ્ય કારણ એ હતુ કે અજિત પવારની શરત હતી કે શરદ પવારના જૂથના ઉમેદવારો તેમના પક્ષના ચિહ્ન પર ચૂંટણી લડે. શરદ પવાર જૂથના નેતા અંકુશ કાકડેએ કહ્યું હતું કે તેઓ તેમના પક્ષના ચિહ્ન પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું હતું કે અજિત પવારનું નેતૃત્વ સ્વીકારવાથી ખોટો સંદેશ જશે, તેથી તેમણે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

ચૂંટણી ચિહ્ન અને ભવિષ્યની રણનીતિ

કોર્ટના નિર્ણય બાદ, ‘ઘડિયાળ’નું ચિહ્ન અજિત પવાર જૂથ પાસે છે, જ્યારે શરદ પવાર જૂથ ‘તુતારી’ પ્રતીક હેઠળ ચૂંટણી લડે છે. NCP (SP) ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલેનો પણ ગઠબંધન અંગે અલગ મત છે. તેઓ મહા વિકાસ આઘાડી (MVA) સાથે રહેવાના પક્ષમાં છે, જેમાં કોંગ્રેસ અને શિવસેના (UBT)નો સમાવેશ થાય છે. જોકે, પિંપરી-ચિંચવડમાં આ નવા કરારથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાવાની છે.

આ પણ વાંચો: ઉન્નાવ રેપ કેસ: સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, CBIએ દાખલ કરી યાચિકા, કુલદીપ સેંગરની જામીન રદ્દ કરવાની માંગ

Back to top button