ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બારામતી વિમાન દુર્ઘટના: અજિત પવાર સહિત 5 લોકોના મોત, રાજ્યમાં 3 દિવસનો શોક

આજે (28 જાન્યુઆરી 2026)ના રોજ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. બુધવારે સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટના પુણે જિલ્લાના બારામતીમાં બની. દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ વ્યક્તિઓના મોત થયા છે.

આ દુઃખદ ઘટના વિશે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિમાન રનવે પહોંચતા પહેલા લગભગ 100 ફૂટની ઊંચાઈથી નીચે પડ્યું હતું અને તેમાં આગ લાગી ગઈ હતી. આ વિમાન અગાઉ 2023માં પણ ક્રેશ લેન્ડિંગ કરી ચૂક્યું હતું.

દુર્ઘટનામાં માર્યા ગયેલા અન્ય વ્યક્તિઓમાં અજિત પવારના અંગત સુરક્ષા અધિકારી (પીએસઓ) વિદિત જાધવ, પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, કેપ્ટન શાંભવી પાઠક અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલીનો સમાવેશ થાય છે. આ તમામ વ્યક્તિઓ વિમાનમાં અજિત પવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા.

અજિત પવારના અકાળ અવસાન પર રાજકીય વર્તુળોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને મહારાષ્ટ્રના વિકાસમાં વિશેષ યોગદાન આપનારા નેતા તરીકે યાદ કરીને કહ્યું કે આ અચાનક મૃત્યુ એક અપૂર્ણ નુકસાન છે, અને તેમના પરિવાર, સમર્થકો તથા અન્ય પીડિત પરિવારોને ઊંડી શોક-સંવેદના વ્યક્ત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને “જનતાના નેતા” ગણાવ્યા, જેમનો જમીની સ્તરે મજબૂત સંપર્ક હતો અને મહારાષ્ટ્રના લોકોની સેવા માટે અથાક મહેનત કરી હતી; તેમણે કહ્યું કે આ અચાનક મૃત્યુ અત્યંત આઘાતજનક અને દુઃખદ છે, અને પરિવાર તથા અનુયાયીઓને શાંતિની પ્રાર્થના કરી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમને મહારાષ્ટ્રના વિકાસ અને લોકસેવા માટે સમર્પિત નેતા તરીકે યાદ કરીને ઊંડો શોક વ્યક્ત કર્યો.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વડ્રા તથા અન્ય નેતાઓએ પણ આ દુર્ઘટનાને અત્યંત હૃદયવિદારક ગણાવીને પવાર પરિવાર અને મહારાષ્ટ્રની જનતા સાથે સંવેદના વ્યક્ત કરી. મમતા બેનર્જીએ ઘટનાની ઊંડી તપાસની માંગ કરી તેમજ શોક વ્યક્ત કર્યો.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે, જ્યારે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમને “કામના માણસ” તરીકે યાદ કરીને મહારાષ્ટ્ર માટેનો દુઃખદ દિવસ ગણાવ્યો. આ ઘટનાએ રાજકીય પક્ષોની સીમાઓ પાર કરીને એકજૂટ શોકનું વાતાવરણ સર્જ્યું છે, જે અજિત પવારના લોકસંપર્ક અને વહીવટી ક્ષમતાની પ્રશંસા કરે છે.

અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું નામ હતા. તેઓ એનસીપીના વડા હતા અને રાજકીય જીવનમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન વિનાની રાજનીતિ કરતા હતા. તેમનું અવસાન રાજકીય વર્તુળોમાં મોટી ખોટ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ દુર્ઘટનાના કારણોની તપાસ ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. તેમના પરિવાર અને સમર્થકોને આ ઘટનાથી મોટો આઘાત લાગ્યો છે.

આ પણ વાંચો: પ્લેનમાં આગ લાગ્યા બાદ 4-5 બ્લાસ્ટ થયા, અજિત પવારનું વિમાન કઈ રીતે ક્રેશ થયું, પ્રત્યક્ષદર્શીએ આખી હકીકત જણાવી

Back to top button