ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ: ઘટનાસ્થળે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, પરિજનો ભાવુક થયા

Ahmedabad Plane Crash Anniversary: ગયા વર્ષે 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફના માત્ર 32 સેકન્ડ બાદ બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકો અને ઘટનાસ્થળે હાજર 19 લોકો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આજે આ ભયાનક અકસ્માતને એક વર્ષ પૂર્ણ થયું છે.

આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં પ્લેન ક્રેશ સ્થળે મૃતકોના પરિવારજનો અને સ્વજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન મૃતકોને યાદ કરીને પરિવારજનો ભાવુક બની ગયા હતા. શાહીબાગના ઘોડા કેમ્પ રોડ વિસ્તારમાં રહેતા અને મેન્ટલ બારી નજીક ચાની કીટલી ચલાવતા પરિવારના 15 વર્ષીય આકાશ પટણીનું પણ આ દુર્ઘટનામાં દાઝી જવાથી મૃત્યુ થયું હતું. આજે તેની માતા સીતાબેન પટણી અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચીને તેને યાદ કરી ભાવુક થઈ ગયા.

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પુત્રી રાધિકા મિશ્રાએ પણ પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બી.જે. મેડિકલ કોલેજ ખાતે મૃતકોને યાદ કરતા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. એર ઈન્ડિયાના કર્મચારીઓએ પણ દેશભરમાં બે મિનિટનું મૌન પાળીને મૃતકોને યાદ કર્યા.

રાધિકા મિશ્રાએ કહ્યુ કે પીડિત પરિવારોને માત્ર વળતર જ નહીં, પરંતુ અકસ્માત અંગેના સ્પષ્ટ જવાબો અને ક્લોઝરની જરૂર છે. તેમણે વળતર પ્રક્રિયા અંગે કેટલાક સવાલો પણ ઉઠાવ્યા. જોકે, એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે વળતર સ્વીકારવા માટે કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી.

પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ઋષભ રૂપાણીએ પણ પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે જણાવ્યું કે વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને ફાઉન્ડેશન મારફતે યુવાનો, મહિલાઓ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વિવિધ લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

આજે BJ મેડિકલ કોલેજમાં પણ શોક સભા યોજાઈ. મંત્રી દર્શના વાઘેલાએ કહ્યું કે, “આજે પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થયું છે. અહીં શોક સભા યોજાઈ છે અને તેની સાથે વૃક્ષારોપણ અને રક્તદાન શિબિર પણ થશે.” તેમણે કહ્યું કે, એક વર્ષ પહેલાંની આ દુઃખદ ઘટનાથી તેઓ ખૂબ દુઃખી છે. વિમાનમાં સવાર બધામાંથી માત્ર એક જ વ્યક્તિ બચી હતી.

આજે જ્યારે ઘટનાસ્થળે પરિવારો એક વર્ષ પછી પણ આંખોમાં આંસુ લઈને આવ્યા છે, ત્યારે કાજલ પટણીના શબ્દો સાંભળીને હૃદય ભારે થઈ જાય છે. તેણે કહ્યું કે, “મારો ભાઈ ગયો… અમે ખુબ જ દુખી છીએ, પણ શું કરી શકીએ? અમે તેને ખૂબ યાદ કરીએ છીએ, મારા બાળકો પણ તેને ખૂબ યાદ કરે છે.” આકાશને ગુમાવીને આખો પરિવાર હજુ પણ એ જ દુઃખમાં જીવી રહ્યો છે. તેના પિતા સુરેશે કહ્યું, “મારો દીકરો મારી મા માટે લંચ લઈને આવ્યો હતો, અહીં જ સૂતો હતો… પ્લેન ક્રેશ થયું ત્યારે તેના પર પ્લેનના ટુકડા પડ્યા. હું કંઈ યાદ નથી રાખી શકતો, ફક્ત તેને જ યાદ કરીને બેસી રહું છું. એક વર્ષ થઈ ગયું, પણ તેની મા અહીં આવતી નથી, ઘરે જ રહે છે… કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આવું કંઈ બની જશે.”

—

ગાંધીનગરમાં પ્રફુલ પાન્શેરિયાએ કહ્યું કે, “મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના પરિવારોને સંવેદના વ્યક્ત કરું છું. જ્યાં પ્લેન ક્રેશ થયું હતું તે જ જગ્યાએ બે મંદિરો બનાવવામાં આવશે – એક આરોગ્ય મંદિર અને બીજું શિક્ષણ મંદિર.”.

આજે અનિલ કુમાર પટેલ પોતાના દીકરા હર્ષિત અને પુત્રવધૂ પૂજાને યાદ કરી રહ્યા છે તેમનો અવાજ ભારે થઈ ગયો છે. તેમણે કહ્યું કે, “તે દિવસે હું સવારે 9 વાગ્યે તેમને એરપોર્ટે છોડીને આવ્યો હતો. બપોરે 1 વાગ્યે તેઓ ફ્લાઈટમાં બેસી ચૂક્યા હતા ત્યારે વીડિયો કોલ પર વાત કરી હતી… એ જ છેલ્લી વાત હતી. હું તેમને ખૂબ યાદ કરું છું.” સરકારે મદદ કરી અને એરલાઈને પણ કમ્પેન્સેશન આપ્યું, પણ તેમની ઇચ્છા છે કે આવી ઘટના ફરી ક્યારેય ન બને.

સલીમ મુસ્તફાની વાત સાંભળીને પણ આંખો ભીની થઈ જાય છે. તેમણે કહ્યું કે, “મારી પત્ની મારા દીકરાને મળવા યુકે જઈ રહી હતી. તેની સાથે છેલ્લી વાતચીત સવારે 10:00 વાગ્યે થઈ હતી. મારી બે બીજી દીકરીઓ તેને મૂકવા આવી હતી. હું ઘરે હતો.. બપોરે 2:30 વાગ્યે પ્લેન ક્રેશની જાણ થઈ. સાંજે 6:00 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં આવ્યો તો બધું ખતમ થઈ ચૂક્યુ હતું..” તેમણે સરકાર અને એર ઈન્ડિયાના સ્ટાફની મદદની પ્રશંસા કરી અને અંતિમવિધિ સમયે પણ લોકોના સમર્થનનો ઉલ્લેખ કર્યો. તેમની એક જ માંગ છે કે, તપાસમાં સત્ય સામે આવે. વ્યક્તિ તો ગઈ, પણ સત્ય તો બહાર આવવું જોઈએ.

એક વર્ષ બાદ પણ ઘટનાસ્થળે શોકનું વાતાવરણ છે. પીડિત પરિવારો હજુ પણ અંતિમ તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. આ દુર્ઘટનામાં માત્ર એક જ મુસાફર જીવિત બચ્યો હતો. મૃતકોના પરિવારજનોને વચગાળાનું વળતર આપવામાં આવ્યું છે, છતાં અનેક પરિવારો આજે પણ સંપૂર્ણ સત્ય સામે આવે અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે.

ગુજરાત અને દેશના ઉડ્ડયન ઇતિહાસમાં આ દુર્ઘટના એક કાળા દિવસ તરીકે હંમેશા યાદ રહેશે. આજે, એક વર્ષ બાદ પણ 260 નિર્દોષ જીવ ગુમાવનાર આ દુર્ઘટનાની પીડા હજારો પરિવારોના દિલમાં યથાવત છે.

આ પણ વાંચો: ઈમરજન્સી સેવાઓ થઈ મોંઘી : અમદાવાદ મ્યુનિ.ની ફાયર બ્રિગેડના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો

Back to top button