માત્ર બે વૈજ્ઞાનિકોની નોકરી બદલતાં ધ્રૂજ્યા વૈશ્વિક શેરબજારો! AI દુનિયામાં શું થયું એવું?

Tech News: છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં Artificial Intelligence (AI) સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકા, ચીન, ભારત સહિતના દેશો AI પર અબજો ડોલરનું રોકાણ કરી રહ્યા છે. રોકાણકારો પણ માનતા હતા કે AI કંપનીઓ ભવિષ્યની સૌથી મોટી કમાણી કરાવશે, પરંતુ 22 જૂને એવી ઘટના બની કે જેણે AI સેક્ટર અને વૈશ્વિક શેરબજારોને હચમચાવી દીધા.
આશ્ચર્યની વાત એ હતી કે ન તો કોઈ યુદ્ધ થયું હતું, ન વ્યાજદરમાં વધારો થયો હતો અને ન કોઈ સરકારે AI પર પ્રતિબંધ મૂક્યો હતો. છતાં માત્ર બે વૈજ્ઞાનિકોની નોકરી બદલવાથી ટેક કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી.
કોણ છે આ બે વૈજ્ઞાનિકો?
સૌથી પહેલું નામ છે Noam Shazeer. તેઓ Googleના સૌથી પ્રતિભાશાળી AI સંશોધકોમાંના એક ગણાય છે અને 2017ના ઐતિહાસિક Transformer રિસર્ચ પેપરના સહ-લેખક છે. આજના ChatGPT, Gemini અને Claude જેવા લગભગ તમામ અદ્યતન AI મોડલ્સનો પાયો આ જ ટેક્નોલોજી પર આધારિત છે. તેમણે Google છોડીને OpenAI માં જોડાવાનો નિર્ણય લીધો.
બીજો મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે John Jumperએ પણ Google DeepMind છોડીને Anthropicમાં જોડાવાની જાહેરાત કરી. John Jumperને રસાયણશાસ્ત્ર ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મળ્યો છે અને તેઓ AI ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોમાંના એક છે.
Googleને કેમ પડ્યો મોટો ફટકો?
બંને વૈજ્ઞાનિકોના નિર્ણય બાદ બજારમાં રોકાણકારોમાં ચિંતા વધી ગઈ. 22 જૂને બજાર ખુલતાં જ Alphabet Inc.ના શેરોમાં ભારે વેચવાલી શરૂ થઈ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન શેરમાં લગભગ 7.2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો.
આ ઉપરાંત Gemini પ્રોજેક્ટ સાથે જોડાયેલા અન્ય બે સંશોધકોએ પણ Google છોડીને Anthropicમાં જોડાવાની જાહેરાત કરી. જેના કારણે બજારમાં એવો સંદેશ ગયો કે Google પોતાની સૌથી કિંમતી AI ટેલેન્ટ ગુમાવી રહ્યું છે.
માત્ર બે લોકોના કારણે અબજો ડોલરનું નુકસાન કેમ?
સામાન્ય કર્મચારી કંપની છોડે તો શેરબજાર પર ખાસ અસર પડતી નથી, પરંતુ AI ક્ષેત્રમાં ટોચના વૈજ્ઞાનિકો જ કંપનીની સૌથી મોટી સંપત્તિ ગણાય છે. તેમની પાસે એવી ટેક્નિકલ કુશળતા અને સંશોધનનો અનુભવ હોય છે, જે કંપનીને સ્પર્ધામાં આગળ રાખે છે. રોકાણકારોને ચિંતા થઈ કે જો આવા પ્રતિભાશાળી લોકો હરીફ કંપનીઓમાં જશે તો ભવિષ્યમાં Googleની AI લીડરશિપને મોટું નુકસાન થઈ શકે છે.
AI બૂમ પર પણ ઉઠ્યા સવાલ
આ ઘટનાએ AI ઉદ્યોગને લઈને એક મોટો પ્રશ્ન પણ ઉભો કર્યો છે. Microsoft, Google, Meta અને Amazon જેવી કંપનીઓ AI પાછળ અબજો ડોલર ખર્ચી રહી છે, પરંતુ તે પ્રમાણમાં કમાણી હજુ સુધી જોવા મળી નથી.
મોટા ડેટા સેન્ટરો, લાખો GPU અને નવા AI મોડલ્સમાં રોકાણ થઈ રહ્યું છે, છતાં રોકાણકારો હવે પૂછવા લાગ્યા છે કે આ રોકાણમાંથી વાસ્તવિક નફો ક્યારે મળશે?
એલોન મસ્કને પણ લાગ્યો ઝટકો
AI ક્ષેત્રમાં સૌથી મોટા આશાવાદીઓમાંના એક Elon Muskને પણ આ ઘટનાનો પરોક્ષ ફટકો પડ્યો છે. AI સંબંધિત કંપનીઓમાં વેચવાલી વધતાં તેમની કંપનીઓના મૂલ્યાંકન પર પણ અસર જોવા મળી અને બજારમાં AI સેક્ટરને લઈને વિશ્વાસ થોડો ડગમગ્યો હતો.
કોણ રહેશે એઆઈની દોડમાં આગળ?
આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે AIની સ્પર્ધા હવે માત્ર ટેક્નોલોજી સુધી મર્યાદિત નથી. હવે સૌથી મોટો પડકાર શ્રેષ્ઠ ટેલેન્ટને પોતાની સાથે જાળવી રાખવાનો અને AIને નફાકારક બિઝનેસમાં ફેરવવાનો છે. આગામી વર્ષોમાં જે કંપની આ બંને બાબતમાં સફળ થશે, તે જ AIની દોડમાં આગળ રહેશે.












