Ahmedabad: મેટ્રો કોર્ટ પરિસરમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને લઈ હોબાળો, યુવતીને વકીલના કપડાં પહેરાઈને કોર્ટમાં લવાઈ

Ahmedabad News: અમદાવાદમાં મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા જિલ્લા રજીસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નની નોંધણીને લઈને મેટ્રો કોર્ટ પરિસરમાં ભારે હોબાળો થયો છે. ગાંધીનગરના કરોલીની વતની યુવતી અને કઠવાડાનો યુવક સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા માટે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા હતા. સંભવિત વિરોધને જોતા યુવતીને વકીલના કપડાં પહેરાઈને કોર્ટમાં લવાઈ હતી. હાલ તો બંને યુવક-યુવતી કચેરીમાં છે અને બહાર હિન્દુ સંસ્થાઓ વિરોધ કરી રહી છે.
યુવક-યુવતી વકીલના પોશાકમાં હોવાથી સ્થાનિક વકીલોએ વાંધો ઉઠાવ્યો હતો અને વ્યાવસાયિક ડ્રેસ કોડના દુરુપયોગ બદલ કરંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ કચેરીની બહાર એકઠા થઈને આ લગ્નનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે સામાન્ય રીતે રજિસ્ટ્રેશન પ્રક્રિયા સવારે 11 વાગ્યે શરૂ થતી હોય છે, પરંતુ આ યુગલને સવારે 09:30 વાગ્યે જ કચેરીમાં પ્રવેશ આપી દેવાયો હતો. એમ.એમ.સૈયદ મેરેજ રજીસ્ટ્રાર પોતે મુસ્લિમ હોવાથી પક્ષપાતી વલણ ધરાવતા હોવાનો VHP અને બજરંગ દળે આક્ષેપ કર્યો છે. સાથે જ કેટલાક વકીલોનું કહેવું છે કે મેરેજ રજીસ્ટ્રેશન 11 વાગ્યે શરૂ થાય છે, પરંતુ છોકરો મુસ્લિમ હોવાથી 9:30 વાગ્યે બંનેને અહીં લાવવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં પોલીસ કમ્પાઉન્ડમાં ગોઠવાઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાંચ પણ કોર્ટમાં પહોંચી છે. સાથે જ ધારાસભ્ય કૌશિક જૈન પણ કોર્ટ સંકુલમાં પહોંચ્યા છે. હાલમાં લાઠી અને હથિયારધારી પોલીસ કોર્ટ સંકુલમાં ગોઠવાઈ ગઈ છે.












