અમદાવાદ: બુટલેગરને રૂ.48 લાખના દારૂની ડિલિવરી મળે તે પહેલાં ટ્રક ઝડપાયો

- અમદાવાદમાં દારૂનો મોટાપાયે વેપાર કરનાર અનેક બુટલેગરો સક્રિય
- રાજસ્થાનથી ટ્રકમાં ભૂસાની આડમાં દારૂનો જથ્થો લવાયો
- દારૂ અને બિયર સાથે 88 લાખનો મુદામાલ જપ્ત કર્યો
અમદાવાદમાં દારૂનો મોટાપાયે વેપાર કરનાર અનેક બુટલેગરો સક્રિય છે. તેમ છતાં પોલીસ દ્વારા દાવો કરવામાં આવે છે કે અમદાવાદમાં દારૂ મળતો નથી. પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ પોલીસની કોઈ ખુલ્લી પાડી છે. જેમાં ગતરાત્રિએ બાતમીના આધારે વોચ ગોઠવીને રામોલ વાંચ રોડ પર એક કન્ટેનરમાં ભૂસાની આડમાં લાવવામાં આવી રહેલો રૂપિયા 48 લાખની કિંમતની 20 હજાર બોટલ જેટલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.
રાજસ્થાનથી ટ્રકમાં ભૂસાની આડમાં દારૂનો જથ્થો લવાયો
દારૂ બિયરનો મોટો જથ્થો રામોલના એક બૂટલેગરને પહોંચતો કરવાનો હતો. જો કે દારૂનો જથ્થો તે રીસીવ કરે તે પહેલા જ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ જપ્ત કરી લીધો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પટેલને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક ટ્રકમાં ભૂસાની આડમાં દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે મોડી રાત્રે વોચ ગોઠવીને એક ટ્રકને રોકીને તપાસ કરતા તેમાંથી વીસ હજાર બોટલ જેટલો વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. જેની કિંમત આશરે 48 લાખ અંદાજવામાં આવી હતી. આ અંગે ટ્રક ચાલક જયકિશન જાટની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે લુધિયાણાથી સંજયસિંહ નામના વ્યક્તિએ દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો. ત્યારબાદ તે વૉટ્સએપથી કોલ અને લોકેશન મોકલીને ગાઈડ કરતો હતો. રામોલ પહોંચીને આ ટ્રક રામોલના એક બુટલેગરને આપવાની હતી. જે ખાલી કરીને પરત કરવાનો હતો. આ દારૂ લાવવાના બદલામાં તેને 30 હજાર રૂપિયા આપવાના હતા.
દારૂ અને બિયર સાથે 88 લાખનો મુદામાલ જપ્ત કર્યો
જો કે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ સ્થાનિક બુટલેગર સુધી પહોંચે તે પહેલાં જ દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આમ આ કેસમાં રામોલ પોલીસની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે. હાલ પોલીસે 48 લાખના દારૂ અને બિયર સાથે 88 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, પાણીની કુંડીમાં પડી જતા બાળકનું મોત












