ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રાની તડામાર તૈયારી: 15-16 જુલાઈએ ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર

અમદાવાદ: ભગવાન જગન્નાથની 149મી નગર રથયાત્રાને લઈને અમદાવાદમાં તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રથયાત્રાના સરળ અને સુગમ આયોજન માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિશેષ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ રથયાત્રાના સમગ્ર રૂટ અને આસપાસના વિસ્તારોને 15 અને 16 જુલાઈ 2026 દરમિયાન ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે.

નો પાર્કિંગ ઝોનનો સમયગાળો

રથયાત્રાના રૂટ પર આવતા તમામ જાહેર માર્ગોને 15 જુલાઈની રાત્રે 12 વાગ્યાથી શરૂ કરીને 16 જુલાઈના રોજ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી નો પાર્કિંગ ઝોન તરીકે જાળવવામાં આવશે. આ દરમિયાન આ વિસ્તારોમાં વાહનો પાર્ક કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

મુખ્ય ‘નો પાર્કિંગ ઝોન’ વિસ્તારો

રથયાત્રાના રૂટ પર આવેલા મુખ્ય વિસ્તારોમાં નીચેના સ્થળો સામેલ છે:

  • જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી શરૂ કરીને
  • જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા
  • આસ્ટોડિયા ચકલા (BRT સહિત)
  • મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા
  • પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ
  • સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી
  • દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા
  • રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી. હાઇસ્કુલ, ઘી કાંટા રોડ
  • પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે
  • માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઈને પરત જગન્નાથ મંદિર સુધી

કડક કાર્યવાહીની ચેતવણી

પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ ગુનો નોંધી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

રથયાત્રાને સુગમ અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે નાગરિકોને પોલીસના આદેશનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરતમાં જળપ્રલય: 13 લોકોના મોત, 3416 લોકોનું રેસ્ક્યુ, હજારોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યા

Back to top button