અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદથી સૌરાષ્ટ્ર આવતા-જતાં લોકો માટે મોટા સમાચાર, બગોદરા-સનાથલ હાઇવે બંને બાજુ બંધ, ડાયવર્ઝન અપાયું

અમદાવાદ: અમદાવાદમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચાંગોદર પાસે અમદાવાદ-રાજકોટ હાઇવે પર પાણી ભરાતા અનેક વાહનો અટવાયા હોવાના દ્રશ્યો સર્જાયા છે. અતિભારે વરસાદને પગલે બગોદરા-સનાથલ હાઇવે બંને બાજુ બંધ કરવામાં આવ્યો છે, જે અમદાવાદથી સૌરાષ્ટ્ર આવતા-જતાં લોકો માટે મોટા સમાચાર છે.

હાઇવે બંધ કરવાનું કારણ

આ અંગે એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે, હાલ પૂરતું બગોદરાથી સનાથલ સુધીનો હાઇવે બંને બાજુથી બંધ રાખ્યો છે. જેથી અંદર ફસાયેલા વાહનોને બહાર કાઢી શકાય, કારણ કે ઘણી જગ્યાએ લગભગ 6-7 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે અને કોઈ પણ વાહન ત્યાંથી પસાર થઈ શકે તેમ નથી. જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી વાહનવ્યવહાર માટે કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

કામચલાઉ ડાયવર્ઝન રૂટ

  • બગોદરાથી વેજલકા અને ત્યાંથી એક્સપ્રેસવે થઈને એસ.પી. રિંગ રોડ આવી શકશે.
  • અમદાવાદથી રાજકોટ જવા માટે સનાથલ સર્કલથી એક્સપ્રેસવે પકડીને વેજલકા થઈને જઈ શકાશે.
  • વિરમગામ તરફનું પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સીધા આગળ જવા માંગતા વાહનચાલકો વિરમગામ અને સુરેન્દ્રનગર વાળો રસ્તો પકડીને નીકળી શકશે.

આ ડાયવર્ઝન રૂટ અંદાજે 40થી 50 કિલોમીટર જેટલા લાંબા રહેશે. નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે પાણી ઓસરે ત્યાં સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને અનાવશ્યક મુસાફરી ટાળે.

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પેસેન્જર ભરેલી ટ્રાવેલ્સ સળગી, 17 મુસાફરોનો આબાદ બચાવ

Back to top button