ગુજરાતટોપ ન્યૂઝ

Ahmedabad Plane Crash: ‘પાઇલટે છેલ્લા શ્વાસ…’ , અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પ્રત્યક્ષદર્શીએ કર્યો સૌથી મોટો ખુલાસો

Ahmedabad Plane Crash: ગત વર્ષે જૂન મહિનામાં થયેલી અમદાવાદની ભયાનક એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને લઈને હવે એક નવો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. લંડન જતી બોઇંગ 787 ડ્રીમલાઇનર ફ્લાઇટ ટેકઓફ બાદ થોડા જ સેકન્ડોમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા, જ્યારે માત્ર એક મુસાફર જીવિત બચ્યો હતો. દેશના સૌથી ભયાનક એવિએશન અકસ્માતોમાં ગણાતી આ ઘટનાને લઈને હવે પાઇલટ અંગે એક માનવતાભર્યો દાવો ચર્ચામાં આવ્યો છે.

“મૃત્યુ બાદ પણ સ્ટિયરિંગ કંટ્રોલ પકડી રાખ્યું હતું”

અમદાવાદના રહેવાસી રોમન વોહરાએ દાવો કર્યો છે કે તેઓ પોતાના સગાના મૃતદેહની ઓળખ માટે સિવિલ હોસ્પિટલના મોર્ચ્યુરીમાં ગયા હતા. કોરોનાકાળ દરમિયાન પેથોલોજી લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂકેલા વોહરાએ મોર્ચ્યુરીનું દૃશ્ય “ડરાવના સપના જેવું” હોવાનું જણાવ્યું.

તેમણે કહ્યું કે અનેક મૃતદેહો બળેલી હાલતમાં હતા, ઘણા શરીરના ભાગો અલગ પડી ગયા હતા અને દરેક તરફ વિનાશનો માહોલ હતો. વોહરાએ જણાવ્યું કે એક માતાનો મૃતદેહ પોતાના બાળકને ચાંપીને બેઠેલી સ્થિતિમાં જોવા મળ્યો હતો, જેને જોઈને ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

કેપ્ટન સુમિત સભરવાલ અંગે ચોંકાવનારું નિવેદન

રોમન વોહરાના જણાવ્યા અનુસાર, વિમાનના કેપ્ટન સુમિત સભરવાલનો મૃતદેહ અન્ય મૃતદેહોથી અલગ રાખવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો કે કેપ્ટન બેઠેલી સ્થિતિમાં હતા અને તેમનો યુનિફોર્મ મોટા ભાગે સુરક્ષિત હતો. સફેદ શર્ટ, ખભા પર ચાર ગોલ્ડ સ્ટ્રાઇપ, ટાઈ અને શૂઝ સુધી સારી હાલતમાં જોવા મળ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સૌથી ચોંકાવનારી વાત એ હતી કે કેપ્ટનના હાથ હજુ પણ વિમાનના ડબલ હેન્ડલ યોક એટલે કે સ્ટિયરિંગ કંટ્રોલને મજબૂતીથી પકડી રાખેલા હતા. માનવામાં આવે છે કે રેસ્ક્યુ ટીમ જ્યારે કોકપિટમાંથી મૃતદેહ બહાર કાઢી રહી હતી ત્યારે સ્ટિયરિંગનો ભાગ પણ તૂટી ગયો હશે અને કેપ્ટન સાથે જ બહાર આવ્યો હશે.

“અંતિમ ક્ષણ સુધી વિમાન બચાવવાનો પ્રયાસ”

આ દાવા બાદ હવે સોશિયલ મીડિયા અને એવિએશન સર્કલમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી કેટલીક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ટેકઓફ બાદ વિમાનનું ફ્યૂલ સ્વિચ બંધ થઈ જતાં આ દુર્ઘટના બની હતી અને તેમાં પાઇલટની ભૂલ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી હતી.

પરંતુ વોહરાના નિવેદનથી એવું સૂચિત થાય છે કે કેપ્ટન સભરવાલ અંતિમ શ્વાસ સુધી વિમાનને બચાવવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, મોર્ચ્યુરીમાં હાજર એક ડોક્ટરે પણ વોહરાના દાવાને સમર્થન આપ્યું હોવાનું કહેવાય છે.

AAIBના પ્રાથમિક રિપોર્ટ બાદ ઉઠ્યા હતા સવાલ

વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB)ની પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું હતું કે ટેકઓફ બાદ બંને એન્જિનની ફ્યૂલ સપ્લાય બંધ થઈ ગઈ હતી. કોકપિટ વૉઇસ રેકોર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછતો સંભળાયો હતો કે “તમે કટ-ઓફ કેમ કર્યું?” જેના જવાબમાં બીજાએ કહ્યું હતું કે “મેં કર્યું નથી.” આ બાદ પાઇલટ એરરની સંભાવનાને લઈને ભારે ચર્ચા થઈ હતી. જોકે, પાઇલટ એસોસિયેશન અને કેપ્ટન સભરવાલના પરિવારજનોએ આ દાવાઓને ખોટા ગણાવ્યા હતા.

અંતિમ રિપોર્ટની રાહ

કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પણ લોકોને અપીલ કરી છે કે અંતિમ તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવું જોઈએ. હાલ સમગ્ર દેશ AAIBના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે, જે આ ભયાનક દુર્ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ કરશે.

આ પણ વાંચો: વડોદરાના 19 વર્ષીય પોલિટેક્નિક વિદ્યાર્થીનો આપઘાત, વીડિયો બનાવી જીવન ટૂંકાવ્યું

 

 

Back to top button