અમદાવાદ: રિવરફ્રન્ટ પર શ્રમિક આક્રોશ રેલી, પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે કામદારોની ભીડ
- રિવરફ્રન્ટ ખાતે ‘શ્રમિક આક્રોશ રેલી’નું વિશાળ આયોજન કરવામાં આવ્યું
- આગામી 1 ડિસેમ્બરથી 1000 બહેનોની ભૂખ હડતાળનું એલાન કર્યું
- રેલીમાં રાજ્યભરમાંથી હજારો કર્મચારીઓ અને શ્રમિકો ઉમટી પડ્યા
લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ભારતીય મજદૂર સંઘ (BMS) દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ‘શ્રમિક આક્રોશ રેલી’નું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ, પગાર વધારા મુદ્દે હાઇકોર્ટના આદેશનું પાલન ન થતાં આંગણવાડી બહેનોએ પણ આંદોલન ઉગ્ર બનાવ્યું છે અને આગામી 1 ડિસેમ્બરથી 1000 બહેનોની ભૂખ હડતાળનું એલાન કર્યું છે.
રેલીમાં રાજ્યભરમાંથી હજારો કર્મચારીઓ અને શ્રમિકો ઉમટી પડ્યા
ભારતીય મજદૂર સંઘે જણાવ્યું કે, આશા વર્કરો, એસટી કર્મચારીઓ, બાંધકામ શ્રમિકો અને અન્ય ક્ષેત્રોના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં આ ‘આક્રોશ રેલી’ યોજવામાં આવી છે. આ રેલીમાં રાજ્યભરમાંથી હજારો કર્મચારીઓ અને શ્રમિકો ઉમટી પડ્યા છે. વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાડજ સ્મશાનગૃહથી માંડીને આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટનો માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
આંગણવાડી બહેનોનો મુદ્દો પણ ચરમસીમાએ પહોંચ્યો
આંગણવાડી બહેનોનો મુદ્દો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં અમદાવાદમાં મેમ્કો સર્કલ નજીક વીર સાવરકર રમત ગમત સંકુલમાં મોટી સંખ્યામાં બહેનોએ એકઠા થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પડતર માંગણીઓને લઇને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી હતી. અમદાવાદમાં મેમ્કો સર્કલ નજીક વીર સાવરકર રમત ગમત સંકુલના મેદાનમાં આંગણવાડી બહેનોએ સરકારવિરોધમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એટલુ જ નહીં, 1લી ડિસેમ્બરથી એક હજાર આંગણવાડી બહેનો ભૂખ હડતાલ ઉતરવા એલાન કર્યુ છે.
આગામી સમયમાં ગાંધીનગર ચક્કાજામનો કાર્યક્રમ યોજવાની પણ ચીમકી
ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠને એલાન કર્યું છે કે, જો તાત્કાલિક પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી 1 થી 10 ડિસેમ્બર સુધી એક હજાર આંગણવાડી બહેનો ભૂખ હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવશે. આ ઉપરાંત, આગામી સમયમાં ગાંધીનગર ચક્કાજામનો કાર્યક્રમ યોજવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદની ચોંકાવનારી ઘટના, બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરી દેવાયા












