અમદાવાદમાં 12 વર્ષ બાદ ફરી યોજાશે ભદ્ર ફેસ્ટિવલ, 19 અને 25 નવેમ્બરે ઐતિહાસિક સ્મારકોમાં સંગીત-નૃત્યની રમઝટ
Ahmedabad Heritage Week 2026: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં આગામી 19 અને 25 નવેમ્બરે કલા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વર્લ્ડ હેરિટેજ વીક અંતર્ગત શહેરનાં ઐતિહાસિક સ્મારકો સંગીત, નાટ્યકલા, લોકપરંપરા, કવિતા અને શાસ્ત્રીય નૃત્યના જીવંત મંચ બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સહયોગથી ‘ભદ્ર ફેસ્ટિવલ‘ અને ‘વોટર હેરિટેજ સિરીઝ’નું આયોજન કરવામાં આવ્યું છે.
12 વર્ષ બાદ ફરી યોજાશે ભદ્ર ફેસ્ટિવલ
અમદાવાદના ઐતિહાસિક ભદ્ર પરિસરમાં 19 નવેમ્બરે ભદ્ર ફેસ્ટિવલ યોજાશે. વર્ષ 2014માં પ્રથમ વખત યોજાયેલા આ મહોત્સવનું 12 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવની શરૂઆત સાંજે 4 વાગ્યે થશે. ભદ્ર કિલ્લો, પ્રેમાભાઈ હોલ પરિસર અને ભદ્ર પ્લાઝા ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ સાંજે 7:15 વાગ્યે ત્રણ દરવાજા ખાતે ભવ્ય સંગીત કાર્યક્રમ સાથે મહોત્સવનું સમાપન થશે.
સંગીત, લોકનૃત્ય અને નાટ્યકલાની અનોખી રજૂઆત
ભદ્ર ફેસ્ટિવલમાં પરંપરાગત ભારતીય કલાઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. નગારા, રાવણહથ્થો, સિદ્દી ધમાલ, મલ્લખંભ અને નાટ્યસંગીત સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત કઠપૂતળી નાટક, વાર્તાકથન અને ગુજરાતી લોકકથાઓની રજૂઆત પણ કરવામાં આવશે. ભદ્ર કિલ્લા પર પ્રોજેક્શન મેપિંગ અને પ્રેમાભાઈ હોલના પરિસરમાં માતાની પછેડીથી પ્રેરિત દૃશ્યકલાની રજૂઆત પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઐતિહાસિક ભદ્ર પરિસરના ભૂતકાળને રજૂ કરતાં ત્રણ પ્રદર્શનો પણ યોજાશે. જેમાં ભદ્રનો ઇતિહાસ, ગુજરાતી રંગભૂમિનો વારસો અને ઐતિહાસિક સ્મારકોની તસવીરો રજૂ કરવામાં આવશે.
25 નવેમ્બરે ત્રણ ઐતિહાસિક વાવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ
ભદ્ર ફેસ્ટિવલ બાદ 25 નવેમ્બરે ‘વોટર હેરિટેજ સિરીઝ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં અમદાવાદની ત્રણ ઐતિહાસિક વાવ ખાતે સવારથી સાંજ સુધી સંગીત, કવિતા અને શાસ્ત્રીય નૃત્યના કાર્યક્રમો યોજાશે. મહોત્સવની શરૂઆત સવારે 6:30 વાગ્યે જેઠાભાઈની વાવ ખાતે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમથી થશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે અમૃતવર્ષિણી વાવ ખાતે કવિતા અને ભરતનાટ્યમની પ્રસ્તુતિ યોજાશે. સાંજે 7 વાગ્યે દાદા હરિની વાવ ખાતે સંગીત કાર્યક્રમ સાથે મહોત્સવનું સમાપન કરવામાં આવશે.
જાણીતા કલાકારો આપશે પ્રસ્તુતિ
વોટર હેરિટેજ સિરીઝમાં પંડિત જયતીર્થ મેવુન્ડી હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયનની પ્રસ્તુતિ કરશે. કવિ સૌમ્ય જોષી અને અનિલ ચાવડા કવિતાની રજૂઆત કરશે, જ્યારે ભરતનાટ્યમ કલાકાર પ્રાચી સાથી નૃત્ય રજૂ કરશે. દાદા હરિની વાવ ખાતે ઉસ્તાદ ફઝલ કુરેશીની આગેવાનીમાં સંગીત કાર્યક્રમ યોજાશે. જેમાં દિલશાદ ખાન, સાસ્કિયા રાવ સહિતના કલાકારો ભાગ લેશે.
કાર્યક્રમનું સમયપત્રક
| તારીખ | સ્થળ | સમય | કાર્યક્રમ |
| 19 નવેમ્બર | ભદ્ર કિલ્લો, પ્રેમાભાઈ હોલ, ભદ્ર પ્લાઝા | સાંજે 4:00 | ભદ્ર ફેસ્ટિવલ |
| 19 નવેમ્બર | ત્રણ દરવાજા | સાંજે 7:15 | સંગીત કાર્યક્રમ |
| 25 નવેમ્બર | જેઠાભાઈની વાવ | સવારે 6:30 | શાસ્ત્રીય સંગીત |
| 25 નવેમ્બર | અમૃતવર્ષિણી વાવ | સવારે 11:00 | કવિતા અને ભરતનાટ્યમ |
| 25 નવેમ્બર | દાદા હરિની વાવ | સાંજે 7:00 | સંગીત કાર્યક્રમ |
અમદાવાદના સાંસ્કૃતિક વારસાને નવી ઓળખ આપવાનો પ્રયાસ
આ મહોત્સવોનું આયોજન ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થાના સ્થાપક અને આર્ટિસ્ટિક ડિરેક્ટર બિરવા કુરેશીના જણાવ્યા અનુસાર ઐતિહાસિક સ્મારકોની વચ્ચે શાસ્ત્રીય સંગીત, કવિતા, નૃત્ય, નાટ્યકલા અને લોકપરંપરાની રજૂઆત દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવાનો આ પ્રયાસ છે. આવા કાર્યક્રમોથી નાગરિકો અને મુલાકાતીઓને અમદાવાદના ઐતિહાસિક સ્થળોને નવા દૃષ્ટિકોણથી માણવાની તક મળશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બંને મહોત્સવમાં પ્રવેશ મફત
ભદ્ર ફેસ્ટિવલ અને વોટર હેરિટેજ સિરીઝમાં પ્રવેશ મફત રાખવામાં આવ્યો છે. જોકે, ભદ્ર કિલ્લા અને ત્રણ દરવાજા ખાતેના સંગીત કાર્યક્રમ માટે BookMyShow મારફતે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વોટર હેરિટેજ સિરીઝના કાર્યક્રમો માટે પણ અગાઉથી રજિસ્ટ્રેશન જરૂરી રહેશે. ત્રણેય વાવમાં બેઠકો મર્યાદિત હોવાથી મુલાકાતીઓએ આયોજન મુજબ નોંધણી કરાવવાની રહેશે











