અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દિવાળી-છઠ પૂજાને લઈને અમદાવાદનાં રેલવે સ્ટેશનો હાઈ એલર્ટ પર, 240 CCTV કેમેરા અને 110 વધારાના RPF જવાનો તહેનાત

Ahmedabad Railway Station: દિવાળી અને છઠ પૂજાના તહેવારોને લઈને અમદાવાદનાં રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ થવાની શક્યતા છે. તહેવારો દરમિયાન હજારો મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશન પર કુલ 240 CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના 110 વધારાના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર 240 CCTV કેમેરાથી નજર

રેલવે સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આધુનિક સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર 119 અને સાબરમતી રેલવે સ્ટેશન પર 121 CCTV કેમેરા કાર્યરત છે. આ કેમેરા દ્વારા પ્લેટફોર્મ, પ્રવેશદ્વાર, ટિકિટ બારી અને મુસાફરોની અવરજવરવાળા વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવશે. રેલવે દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વધારાના 60 CCTV કેમેરા લગાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે.

110 વધારાના RPF જવાનો તહેનાત

દિવાળી અને છઠ પૂજાની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા વધારાના 110 જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર 55, સાબરમતી ખાતે 40 અને અસારવા રેલવે સ્ટેશન પર 15 વધારાના RPF જવાનો ફરજ બજાવશે. આ ઉપરાંત અમદાવાદ રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF)ની એક વધારાની કંપની પણ તહેનાત કરવામાં આવી છે. મુસાફરો સાથે બનતા ગુનાઓને અટકાવવા માટે સાદાં કપડાંમાં પોલીસકર્મીઓ પણ નજર રાખશે. CCTV કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવશે.

ભીડ અટકાવવા કતાર આધારિત બોર્ડિંગ વ્યવસ્થા

તહેવારો દરમિયાન ટ્રેનમાં ચઢવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ખાસ કરીને લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધતાં પ્લેટફોર્મ પર ધક્કામુક્કીની સ્થિતિ સર્જાવાની શક્યતા રહે છે. આવી પરિસ્થિતિ અટકાવવા માટે રેલવે દ્વારા કતાર આધારિત બોર્ડિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. મુસાફરોને વ્યવસ્થિત કતારમાં રાખીને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવશે, જેથી પ્લેટફોર્મ અને ટ્રેનના દરવાજા પાસે ભીડ એકઠી ન થાય.

સાબરમતી સ્ટેશન પર હોલ્ડિંગ એરિયાની વ્યવસ્થા

સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરો માટે વિશેષ હોલ્ડિંગ એરિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને ટિકિટ બારીથી નિર્ધારિત હોલ્ડિંગ એરિયા સુધી પહોંચાડવામાં આવશે. ત્યારબાદ સંબંધિત ટ્રેનના બોર્ડિંગ સમય પ્રમાણે મુસાફરોને તબક્કાવાર પ્લેટફોર્મ પર જવાની મંજૂરી આપવામાં આવશે. આ વ્યવસ્થાથી પ્લેટફોર્મ પર એકસાથે મોટી સંખ્યામાં મુસાફરો એકઠા થતા અટકાવી શકાશે.

ઉત્તરપ્રદેશ-બિહાર જતાં મુસાફરો માટે 70થી વધુ સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ

દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં ગુજરાતથી ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ તરફ જતા મુસાફરોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. મુસાફરોની વધારાની માંગને પહોંચી વળવા માટે રેલવે દ્વારા 70થી વધુ વિશેષ ટ્રેન ટ્રિપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેટલીક નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવ્યા છે, જેથી વધુ મુસાફરો મુસાફરી કરી શકે.

રાજકોટ અને ભુજ તરફથી આવતી ટ્રેનો પર પણ નજર

રાજકોટ અને ભુજ તરફથી અમદાવાદ તેમજ સાબરમતી થઈને પસાર થતી આશરે 20થી 25 ટ્રેનોની અવરજવરને ધ્યાનમાં રાખીને પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. તહેવારો દરમિયાન ટ્રેનોની અવરજવર અને મુસાફરોની ભીડને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવા માટે રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે. રેલવે પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ તહેવારો દરમિયાન મુસાફરોને સુરક્ષિત અને સુવ્યવસ્થિત મુસાફરીની સુવિધા પૂરી પાડવાનો છે.

આ પણ વાંચોઃ ઓનલાઈન શોપિંગમાં સાવધાન! નહીં તો એક લિંક પર ક્લિક કરવાથી ખાલી થઈ જશે તમારું અકાઉન્ટ
Back to top button