અવકાશ ક્ષેત્રે ગુજરાતે રચ્યો ઇતિહાસ, ધોલેરાથી રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ

Om Space sounding rocket Launch: ગુજરાતે અવકાશ સંશોધન ક્ષેત્રે ઐતિહાસિક પગલું ભર્યું છે. 14 માર્ચ, 2026ના રોજ ધોલેરા નજીક આવેલા બાવળિયારી ગામમાંથી રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું. અમદાવાદ સ્થિત ખાનગી સ્ટાર્ટઅપ ‘ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ’ (OSRE) દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે.બપોરે લગભગ 1 વાગ્યે બાવળિયારીમાં બનાવાયેલા કામચલાઉ લોન્ચ પેડ પરથી આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. રોકેટ લગભગ 3 કિલોમીટર ઊંચાઈ સુધી પહોંચ્યું હતું. આ દરમિયાન પ્રોપલ્શન સિસ્ટમ, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું.
આ ઐતિહાસિક સિદ્ધિ અમદાવાદ સ્થિત ખાનગી સ્ટાર્ટઅપ ‘ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ’ (OSRE) દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે, જે અમેરિકાના ઇલોન મસ્કની ‘સ્પેસએક્સ’ કંપનીના માર્ગે ચાલી રહી છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા આ તકે ઉપસ્થિત રહ્યા હતા. ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ આ રોકેટની એરફ્રેમ કાર્બન ફાઇબર અને અદ્યતન કમ્પોઝિટ મટિરિયલથી સંપૂર્ણપણે સ્વદેશી રીતે અમદાવાદ સ્થિત ઓમ સ્પેસની લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવી હતી. રોકેટમાં હવામાન સંબંધિત માહિતી એકત્રિત કરવા માટે નાનું પ્રાયોગિક પેલોડ પણ સામેલ હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ સફળ પરીક્ષણથી કંપનીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘ઇન્ફિનિટી વન’ માટેનો માર્ગ મોકળો થયો છે. આ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ નેનો અને નાના સેટેલાઇટ્સને લગભગ 800 કિમી ઊંચાઈએ લોઅર અર્થ ઓર્બિટ (LEO) માં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવશે. તેની વિશેષતા એ છે કે રોકેટનો પ્રથમ તબક્કો પુનઃઉપયોગી રહેશે અને માત્ર 24 કલાકમાં ફરી લોન્ચ કરી શકાશે. તેમાં 3D પ્રિન્ટેડ ભાગો, અદ્યતન કમ્પોઝિટ મટિરિયલ અને લિક્વિડ ક્રાયોજેનિક એન્જિન જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સમગ્ર મિશન IN-SPACe (ISRO) ની દેખરેખ હેઠળ હાથ ધરાયું હતું, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને DGCA દ્વારા ટેક્નિકલ સહયોગ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ‘ઓમ સ્પેસ’ની સ્થાપના 30 જૂન, 2020ના રોજ કરવામાં આવી હતી અને તેને DPIIT, MSME મંત્રાલય તેમજ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ માન્યતા પ્રાપ્ત છે. કંપનીએ રશિયાની ‘સ્ટ્રેટોનોટિકા’ સાથે પણ કરાર કર્યો છે, જેના આધારે 40 કિલો સુધીના પેલોડને 40 કિલોમીટર ઊંચાઈએ સ્ટ્રેટોસ્ફિયર સુધી માત્ર 7 દિવસમાં લોન્ચ કરવાની યોજના છે. આ ઐતિહાસિક પ્રસંગે રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા, સ્થાનિક ધારાસભ્ય કાળુ ડાભી અને બાવળિયારી ગામના સરપંચ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાવળિયારી જેવા ગ્રામ્ય વિસ્તારમાં આ હાઈ-ટેક ટેસ્ટિંગ થતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આવા પ્રયોગો ભારતની સ્પેસ ટેક્નોલોજીને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે અને રાજ્યમાં નવી રોજગારીની તકો પણ ઉભી કરશે.
આ પણ વાંચો: Ahmedabad: ગેસની અછતથી લાકડાં અને કોલસાની માગ વધી, ભાવમાં 30 ટકા જેટલો ઉછાળો












