અમદાવાદ: હાટકેશ્વરમાં નશામાં ધૂત કારચાલકે બાઈકને મારી ટક્કર, 20 ફૂટ સુધી ઢસડાતા વૃદ્ધનું કરુણ મોત
Ahmedabad Drunk Driver Hits Bike: શહેરના પૂર્વ વિસ્તારમાં નશાખોર વાહનચાલકોનો આતંક યથાવત હોય તેમ વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાટકેશ્વર વિસ્તારમાં ગત 6 મેની મોડી રાત્રે એક બેફામ કારચાલકે બાઈક સવાર શ્રમિકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાના હચમચાવી દે તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
ઘટનાની વિગત મુજબ, રામોલ વિસ્તારમાં રહેતા અને સેન્ટિંગનું કામ કરતા બાબુભાઈ વાઘેલા ગત રાત્રે કામ પતાવીને સાથી મજૂર લાલાભાઈ સાથે ટુ-વ્હીલર પર ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ હાટકેશ્વરથી વંડર પોઈન્ટ તરફ પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક કારે તેમને પાછળથી અડફેટે લીધા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક સવાર બાબુભાઈ હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા હતા અને કાર તેમને અંદાજે 20 ફૂટ સુધી ઢસડી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ બાબુભાઈએ દમ તોડ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આરોપી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો
સ્થાનિક લોકોએ અકસ્માત સર્જી ભાગવાનો પ્રયાસ કરતા કારચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી રાહુલ સુમેરા (રહે. સરસપુર) અકસ્માત સમયે દારૂના નશામાં ચૂર હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
પરિવારના મોભીના અકાળે અવસાનથી વાઘેલા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ફરી એકવાર નશામાં ધૂત ચાલકની બેદરકારીએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ટ્રાફિક પોલીસે અકસ્માત અને દારૂ પીવા અંગેના અલગ-અલગ ગુના નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: બિહાર: સહરસામાં મધ્યાહન ભોજનમાં સાપ મળ્યો, દાળ-ભાત ખાધા પછી 250 બાળકો બીમાર પડ્યા












