અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દિવાળીની ખરીદીથી અમદાવાદના રસ્તા પર ટ્રાફિકજામ, સિંધુ ભવનથી બોપલ સુધી વાહનોની લાંબી કતારો

Ahmedabad Diwali Shopping Traffic Jam: દિવાળીના તહેવારને લઈને અમદાવાદના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. જોકે તહેવારી ખરીદીનો ધમધમાટ હવે વાહનચાલકો માટે મુશ્કેલી બની રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિંધુ ભવન રોડ, સાયન્સ સિટી રોડ અને બોપલ-આંબલી રોડ પર રસ્તાની બાજુમાં ઊભાં થયેલાં તહેવારી બજારો અને આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે. સાંજના સમયે આ વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.

રસ્તાની સાઈડમાં જ ગાડીઓ બની ગઈ દુકાનો

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વેપારીઓએ સિંધુ ભવન, સાયન્સ સિટી અને બોપલ-આંબલી રોડ પર રસ્તાની બાજુમાં વાહનો ઊભાં રાખીને કપડાં, લાઈટિંગ, હોમ ડેકોરેશન અને પૂજાની સામગ્રીનું વેચાણ શરૂ કર્યું છે. આ બજારોમાં ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. જોકે ગ્રાહકો પોતાનાં વાહનો રસ્તાની બાજુમાં આડેધડ પાર્ક કરતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે. રસ્તાનો મોટો હિસ્સો વેચાણ અને પાર્કિંગ માટે રોકાઈ જતાં વાહનોની અવરજવર માટે જગ્યા ઓછી પડી રહી છે.

6 લેનના પહોળા રસ્તા પણ બન્યા સાંકડા

સિંધુ ભવન અને સાયન્સ સિટી જેવા ચારથી છ લેનના પહોળા માર્ગો પણ તહેવારી બજારોને કારણે સાંકડા બની રહ્યા છે. રસ્તાની બાજુમાં વેપારીઓનાં વાહનો અને ગ્રાહકોની ગાડીઓ ઊભી રહેતાં ટ્રાફિકની ગતિ ધીમી પડી રહી છે. ખાસ કરીને સાંજના પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો સર્જાઈ રહી છે. શનિવાર અને રવિવારની રજાઓમાં ખરીદી માટે વધુ લોકો આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે.

સ્થાનિકોને પોતાના ઘરે પહોંચવામાં પણ મુશ્કેલી

આ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના રહેવાસીઓ પણ ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે. રસ્તા પર વાહનોની ભીડ અને આડેધડ પાર્કિંગને કારણે સ્થાનિકોને પોતાના ઘરે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, રસ્તાની બાજુમાં ખરીદી માટે લોકોની અવરજવર વધતાં રાહદારીઓ માટે ચાલવું અને રસ્તો ઓળંગવો પણ જોખમી બની રહ્યું છે. વાહનચાલકોને ટ્રાફિકજામમાં લાંબા સમય સુધી અટવાઈ રહેવું પડે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ટ્રાફિક પોલીસ અને AMC કાર્યવાહી કરે તેવી માગ

દિવાળી નજીક આવતાં આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ખરીદી માટે લોકોની ભીડ વધુ વધવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બને તે પહેલાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે. સ્થાનિકોએ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તા પરનાં દબાણો દૂર કરવા, આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી કરવા અને વાહનવ્યવહારનું યોગ્ય સંચાલન કરવાની માગ કરી છે.

આ પણ વાંચોઃ ફરિદાબાદમાં ટેક મહિન્દ્રાના એશિયા હેડની ગોળી મારી હત્યા, પાર્કિંગ અને કૂતરાના વિવાદમાં 9 ગોળીઓ ધરબી દીધી
Back to top button